નશામુક્ત ભારત અભિયાનમાં ગુજરાતે કરી કમાલ, 35 લાખ નાગરિકોની ભાગીદારીથી જાગૃતિનો રચાયો નવો રેકોર્ડ!
આપણું ગુજરાત

નશામુક્ત ભારત અભિયાનમાં ગુજરાતે કરી કમાલ, 35 લાખ નાગરિકોની ભાગીદારીથી જાગૃતિનો રચાયો નવો રેકોર્ડ!

ગાંધીનગરઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત ગુજરાતના તમામ જિલ્લાઓમાં યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી વિભાગોના સહયોગથી જાગૃતિ લાવવા માટે વ્યાપક જનજાગૃત્તિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, શપથ ગ્રહણ કાર્યક્રમો, પ્રચાર સામગ્રીનું વિતરણ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ ૮,૦૦૦થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત ૩૫ લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા.

મંત્રાલય દ્વારા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ લાવવા અને નાગરિકોને અભિયાન સાથે જોડવા માટે બે મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં નાગરિકો https://nmba.dosje.gov.in/content/take-a-pledge?type=e-pledge લિંક દ્વારા ઓનલાઈન નશામુક્તિના શપથ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

આ ઉપરાંત નેશનલ ટેલેન્ટ હંટ કોમ્પિટિશનના પ્રથમ તબક્કા રૂપે ઓનલાઈન MyGov પ્લેટફોર્મ પર ક્વિઝ સ્પર્ધા આયોજિત કરવામાં આવી છે. નાગરિકો https://quiz.mygov.in/quiz/5-varsh-1-sankalp-nasha-mukt-bharat-abhiyaan લિંક દ્વારા જોડાઈને તા. ૨૪ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી આ સ્પર્ધામાં ભાગ લઈને પ્રમાણપત્ર મેળવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છીએ કે, દેશના ૨૭૦ જિલ્લાઓમાં તા. ૧૫મી ઓગષ્ટ, ૨૦૨૦થી નશામુક્ત ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, ભરૂચ, મહેસાણા, સુરત, રાજકોટ, જામનગર, અને પોરબંદર સહિત ૮ જિલ્લાઓનો સમાવેશ કરાયો હતો. ત્યારબાદ તબક્કાવાર રાજ્યના અન્ય જિલ્લાઓનો પણ સમાવેશ કરાયો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશભરમાં નશીલા પદાર્થોના દુરુપયોગના નુકસાન અંગે જનજાગૃતિ લાવવા માટે શરૂ કરાયેલા નશામુક્ત ભારત અભિયાનની પાંચમી વર્ષગાંઠ નિમિત્તે રાજ્યના નાગરિકોને આ અભિયાન સાથે જોડાવા માટે સમાજ સુરક્ષા વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકાર દ્વારા તમામ નાગરિકોને મોટી સંખ્યામાં ઓનલાઈન શપથ લેવાના કાર્યક્રમમાં અને ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈને નશામુક્ત સમાજના નિર્માણના આ રાષ્ટ્રીય સંકલ્પમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button