Narmada Dam ની જળસપાટીમાં થઈ રહ્યો છે સતત વધારો, બે દિવસમાં સંપૂર્ણ ભરાય તેવી શક્યતા

રાજપીપળા : ગુજરાત માટે મહત્વના એવા સરદાર સરોવર નર્મદા ડેમની(Narmada Dam)જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની સપાટી 132.46 મીટર પર પહોંચી છે. જે નર્મદા ડેમની મહત્તમ સપાટીથી માત્ર 6 મીટર દૂર છે. હાલ ઉપરવાસમાંથી 2.92 લાખ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમમાં 3,823 MCM લાઈવ સ્ટોરેજ પાણી છે. આગામી બે દિવસમાં નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઇ જાય તેવી શક્યતા છે.
પાણીનો સંગ્રહ 9 ઓગસ્ટે 75 ટકાને પાર કરી ગયો હતો
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ 9 ઓગસ્ટે 75 ટકાને પાર કરી ગયો હતો. 9 ઓગસ્ટે સાંજે 6 વાગ્યે સ્ટોરેજ 75.14 ટકા હતું છે. તેમજ પ્રવાહ 3.03 લાખ ક્યુસેકથી વધુ હોવાથી તે ઝડપથી વધી રહ્યો છે.સરદાર સરોવર નિગમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ચેતવણીના તબક્કે પહોંચી ગયું છે. પરિણામે, પાણીનું સ્તર ઘટાડવા માટે રિવર બેડ પાવર હાઉસ (RBPH)દ્વારા લગભગ 28,464 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાતનો સૌથી મોટો ડેમ છે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી પરના બીજા સૌથી ઉંચા ડેમ ઉકાઈએ 1લી સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે નિર્ધારિત નિયમ સ્તર લગભગ હાંસલ કરી લીધું છે. ઉકાઈ આજે સાંજે 6 વાગ્યે 31721 ક્યુસેકથી વધુના પ્રવાહ સાથે 76.50 ટકા ભરાઈ ગયો છે.
રાજ્યમાં કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા
ગુજરાતમા અત્યાર સુધીમાં કુલ 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. કચ્છ સૌરાષ્ટ્રના 41 અને દક્ષિણ ગુજરાતના કુલ 13 પૈકી છ જળાશયો છલોછલ ભરાયા છે. રાજ્યના કુલ 207 જળાશયોમાં હાલ 64.93 ટકા જળસંગ્રહ છે. રાજ્યના 206 પૈકી 87 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 90 ટકાથી વધુ ભરાયેલા 62 જળાશયો હાઈએલર્ટ પર છે, 80થી 90 ટકા ભરાયેલા 15 જળાશયો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે તો 70થી 80 ટકા ભરાયેલા 10 જળાશયો વોર્નિંગ ચેતવણી આપવામાં આવી છે