નર્મદા ડેમ છલકાવાથી 3.3 મીટર દૂર, રાજ્યમાં સૌરાષ્ટ્ર ઝોનમાં સિઝનનો સૌથી ઓછો વરસાદ…

અમદાવાદઃ નર્મદા નદીના ઉપરવાસમાંથી છેલ્લા કેટલાક સપ્તાહમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે ગુજરાતના સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર બુધવારે 135.38 મીટર પર પહોંચ્યું હતું., તેની પૂર્ણ જળાશય સપાટી કરતાં 3.3 મીટર ઓછું હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા આ ડેમમાં હાલ પાણીનો સ્ટોક તેની કુલ ક્ષમતાના 89 ટકાએ પહોંચ્યો છે. ડેમમાં અત્યારે 1.18 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની પૂર્ણ જળાશય સપાટી 138.68 મીટર છે.
પાણીનું સ્તર નિયંત્રિત કરવા માટે, ડેમના 30 ગેટ પૈકી 10 ગેટ ખોલીને 95,111 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે નર્મદા કેનાલમાં 23,021 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આગામી 24 કલાકમાં જળાશયમાં પાણીનું સ્તર વધશે તેવી અપેક્ષા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, રાજ્યમાં સિઝનનો સરેરાશ 91.18 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 85.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 95.35 ટકા, પૂર્વ મધ્યમાં 90.84 ટકા, સૌરાષ્ટ્રમાં 84.56 ટકા, દક્ષિણ ગુજરાતમાં 95.41 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 206 જળાશયોમાં તેમની કુલ સંગ્રહ ક્ષમતાનો 81.92 ટકા જળસંગ્રહ છે. રાજ્યમાં 82 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 112 ડેમ હાઇ એલર્ટ છે. 68 ડેમ 70 થી 100 ટકા, 24 ડેમ 50 થી 70 ટકા, 17 ડેમ 25 થી 50 ટકા, 15 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. જ્યારે 28 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર છે.
રાજ્યમાં માછીમારોને 7 સપ્ટેમ્બર સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી હતી. વરસાદના કારણે રાજ્યમાં હજુ પણ 92 રોડ રસ્તા બંધ છે. રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 કલાક દરમિયાન 25 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. કડાણામાં સૌથી વધુ 1.89 ઇંચ વરસાદ વરસ્યો હતો. 24 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો…નર્મદા ડેમ વ્યુ પોઇન્ટનું આકાશ રંગબેરંગી અને વિશાળ પતંગોથી છવાયું