ગુજરાતમાં નર્મદા ડેમની સપાટીમાં વધારોઃ 24 કલાકમાં 1.27 મીટરમાં થઈ વૃદ્ધિ

અમદાવાદ: લાંબા વિરામ બાદ ગુજરાતમાં પુનઃ વરસાદની શરૂઆત થઇ હતી, જેના કારણે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો. નર્મદા ડેમમાં નવા નીરની આવક નોંધાતા ડેમની સપાટી પુનઃ 131.02 મીટરે પહોંચી ગઈ હતી. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો હતો.
મળતી વિગતો અનુસાર હાલ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. સરદાર સરોવર યોજનાના ઉપરવાસના વિસ્તારમાં સતત પડી રહેલા વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની નોંધપાત્ર આવક નોંધાઈ હતી અને તાજેતરના આંકડાઓ અનુસાર ડેમમાં 1,23,686 ક્યુસેક પાણીની ઉપરવાસમાંથી આવક નોંધાઈ હતી, જેના કારણે નર્મદા ડેમની હાલની સપાટી વધીને 131.02 મીટર સુધી પહોંચી ગઈ હતી. ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર સુધી પહોંચતા થોડી બાકી છે.
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદઃ નર્મદા ડેમ 83 ટકા ભરાયો
તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરદાર સરોવર ડેમના તમામ ગેટ બંધ રાખવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણીની જાવક 55,969 ક્યુસેક નોંધાઈ હતી. આ સાથે જ આરબીપીએચ અને સીએચપીએચ પાવરહાઉસ ચાલુ રાખીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું.
ડેમની જળ સપાટીમાં વધારો થતા 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. હાલ ડેમમાં નવા નીરની આવકને ધ્યાને લઈને આગામી દિવસોમાં પણ પાણીની આવકનો પ્રવાહ યથાવત રહી શકે છે અને જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.