આપણું ગુજરાત

Narmada Project: હજુ પણ આટલા હજાર કિ.મી. કેનાલ નેટવર્કનું કામ બાકી, સરકારે આપી માહિતી

ગાંધીનગર: ગુજરાત વિધાન સભા ગૃહમાં કોંગ્રેસના વિધાનસભ્ય શૈલેષ પરમાર દ્વારા ઉઠાવવામાં આવેલા તારાંકિત પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે ‘નર્મદા યોજના હેઠળ પ્રસ્તાવિત 69,497km લાંબા કેનાલ નેટવર્કમાંથી 5,000 km પર કામ બાકી છે અને સરકાર તેને 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ રાખી રહી છે’ શૈલેષ પરમારે 31 ડિસેમ્બર, 2023 સુધીમાં પ્રોજેક્ટ હેઠળ કયા કામો બાકી છે તે અંગે જાણકારી માંગી હતી.

જેનો જવાબ આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, “કુલ 69,497km કેનાલ નેટવર્કમાંથી, 63,773 km પર કામ પૂર્ણ થઇ ચુક્યું છે અને 5,724 km પર કામ બાકી છે. આ 5,724 km માંથી 724 kmનું કામ પડતું મુકવામાં આવ્યું છે. તેથી હવે, 5,000 કિલોમીટરના કેનાલ નેટવર્કનું કામ બાકી છે. અમે તેને મિશન મોડ પર લેવાનું અને 2025 સુધીમાં તેને પૂર્ણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મુખ્ય કેનાલના (458 કિમી) પર કામ પૂર્ણ થયું છે, શાખા નહેરના 2,680 કિમીનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે અને 0.64 કિમીના વિસ્તારમાં કામ પૂર્ણ કરવાનું બાકી છે. કુલ 4,619 કિ.મી.ની ડિસ્ટ્રીબ્યુટરીમાંથી, માત્ર 157 કિમીનું કામ પૂર્ણ કરવાનું બાકી છે.

જ્યારે 15,582 કિમીના માઈનોર કેનાલ નેટવર્ક પર 1,006 કિમીનું કામ બાકી છે, જ્યારે 46,156 કિમીના પેટા-માઈનોર કેનાલ નેટવર્કના કિસ્સામાં 4,560 કિમીના નેટવર્કનું કામ બાકી છે. અત્યાર સુધીમાં કમાન્ડ એરિયા 15.53 લાખ હેક્ટરનો વિકાસ કરવામાં આવ્યો છે.


ઋષિકેશ પટેલે એમ પણ જણાવ્યું હતું કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં બ્રાન્ચ કેનાલો પર 21.66 મેગાવોટ ક્ષમતાના બે પાવર સ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button