વિકાસ સપ્તાહઃ રાજ્યમાં 24 વર્ષમાં 15,500 પંચાયતો સમરસ બની, ₹351 કરોડની વધારાની ગ્રાન્ટ મળી…

ગાંધીનગરઃ 7 ઓક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લઇને વહીવટ થકી જનસેવાની પ્રેરણાદાયક યાત્રાની શરૂઆત કરી હતી, જે આ વર્ષે 24 વર્ષોનો ગૌરવપૂર્ણ પડાવ પૂરો કરી રહી છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર 7 થી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરી રહી છે, જેમાં 11 ઓક્ટોબર એટલે કે આજનો દિવસ પંચાયતી રાજ વ્યવસ્થા અને ગ્રામીણ સ્તરે સહભાગિતાને સમર્પિત હશે.
શું છે ગુજરાતનું સમરસ ગ્રામ યોજના મોડલ અને શા માટે છે વિશિષ્ટ?
ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્ય પ્રધાન બનવાના થોડાક જ દિવસોમાં 29 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતમાં સમરસ ગ્રામ યોજના લાગુ કરવામાં આવી હતી, જેણે ગુજરાતની ગ્રામીણ તેમજ પંચાયત વ્યવસ્થાની કાયાપલટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ગુજરાતની ‘સમરસ ગ્રામ યોજના’ ગ્રામીણ લોકતંત્રનું સફળ મોડલ છે, જેમાં ગામના તમામ વૉર્ડના સભ્યો અને સરપંચ સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાય છે. આ ચૂંટણીમાં સમય અને સંસાધનોની બચત થાય છે અને વિકાસકાર્યો પણ ઝડપથી આગળ વધે છે. આવી બિનહરીફ ચૂંટાયેલી પંચાયતોને સમરસ ગ્રામપંચાયતો કહેવામાં આવે છે, અને જો પંચાયતની તમામ સભ્યો મહિલાઓ હોય તો તેને મહિલા સમરસ ગ્રામ પંચાયત કહે છે.
સમરસ ગામોને રાજ્ય સરકાર તરફથી વિકાસકાર્યો માટે સામાન્ય રકમની ફાળવણી ઉપરાંત વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે, જેથી કરીને તેમના ગામમાં માળખાગત સુવિધાઓ વધુ સારી વિકસિત થઈ શકે. છેલ્લા 24 વર્ષોમાં રાજ્ય સરકારે સમરસ પંચાયતોને ₹351.20 કરોડની વધારાની ગ્રાન્ટ આપી છે, જેમાં તાજેતરમાં જ દોઢગણો વધારો પણ કર્યો છે.

2001થી અત્યારસુધીમાં 15,553 ગ્રામપંચાયતો ‘સમરસ’ બની, 828 મહિલા સમરસ પંચાયતો
પંચાયત વિભાગના એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર અને વિકાસ સપ્તાહ હેઠળ પંચાયત વિભાગ દિવસ માટે રાજ્યના નોડલ અધિકારી ડૉ. ગૌરવ દહિયાએ જણાવ્યું કે, “તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સમરસ ગ્રામ યોજનાથી ગુજરાતના ગ્રામીણ વિકાસ અને પંચાયત વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવ્યું છે.
આ યોજના આજે રાજ્યમાં અત્યંત લોકપ્રિય છે, કારણકે તેનાથી ગ્રામપંચાયતોને વિકાસકાર્યો માટે સામાન્ય ફાળવણીઓ ઉપરાંત વધારાની રકમ મળે છે. અત્યાર સુધીમાં 15,553 ગ્રામપંચાયતો સમરસ બની છે, જેમાંથી 828 મહિલા સમરસ ગ્રામપંચાયતો છે.”

વિકાસ સપ્તાહ દરમિયાન રાજ્યના 34 જિલ્લાઓની ગ્રામપંચાયતોમાં થશે 918 કાર્યક્રમ
આ વિકાસ સપ્તાહમાં પંચાયત વિભાગના 24 વર્ષોના કામોના ઉત્સવના સંદર્ભમાં ડૉ. ગૌરવ દહિયાએ કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, “વિકાસ સપ્તાહ હેઠળ આજે એટલે કે 11 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા વિકાસરથના વિશેષ આયોજન થકી ત્રણ મુખ્ય ગામોમાં કાર્યક્રમ થશે.
જેનો ઉદ્દેશ ગ્રામ્ય જીવનમાં બદલાવ લાવવાનો અને યોજનાઓના લાભ સીધા ગ્રામજનો સુધી પહોંચાડવાનો છે. આ ઉપરાંત, રાજ્યના 34 જિલ્લાઓમાં પણ 9 દિવસો સુધી વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન થશે, જેમાં ત્રણ તબક્કાઓમાં કુલ 918 કાર્યક્રમો થશે.

આ ઉપરાંત, સ્વચ્છતા હી સેવા અભિયાનમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા જિલ્લાઓનું પણ સન્માન કરવામાં આવશે, જેમાં આદિવાસી જિલ્લામાં ડાંગ, બિન-આદિવાસી જિલ્લામાં અમદાવાદ, શ્રેષ્ઠ તાલુકામાં ખેડા, શ્રેષ્ઠ ગ્રામ પંચાયતમાં નવસારી, શ્રેષ્ઠ ગામમાં ભરૂચ, શ્રેષ્ઠ શાળામાં રાજકોટ, શ્રેષ્ઠ સખી મંડળમાં સાબરકાંઠા અને શ્રેષ્ઠ જાહેર શૌચાલયમાં ભાવનગરને પુરસ્કાર આપવામાં આવશે.
આ પણ વાંચો…ગુજરાતની ૫૮ ‘ડ્રોન દીદી’ઓએ બદલ્યો ઈતિહાસ, રૂ. ૫૫ લાખથી વધુની કરી કમાણી