આપણું ગુજરાત

વરસાદે ધોઈ નાખ્યો નારાયણ સરોવર-કોટેશ્વર માર્ગ: એસટી સેવા બંધ થવાથી રઝળી પડ્યા મુસાફરો

ભુજ: રાજ્યમાં વરસેલા ભારે વરસાદથી રાજ્યની સાથે સરહદી કચ્છમાં તારાજી સર્જાઈ છે. અબડાસા, લખપત, માંડવી, નખત્રાણા, નારાયણ-સરોવરના મોટા ભાગના વિસ્તારોમાં હજુ પણ વરસાદી પાણી ઓસર્યા નથી અને માર્ગોનું ધોવાણ થઇ જતાં વાહન-વ્યવહારને માઠી અસર પહોંચી છે અને જીવન-જરૂરિયાતની ચીજ-વસ્તુઓનો પૂરવઠો પણ ખોરવાયો છે એ વચ્ચે પૌરાણિક તીર્થધામ નારાયણ સરોવર અને તેની આસપાસના વિસ્તારોને જોડતા મહત્વના બંધારા પાસે રસ્તાનું ધોવાણ થતાં મોટાં વાહનોની અવરજવરને બંધ કરી દેવામાં આવી છે.

નારાયણ સરોવર ફાટક પરથી હાલ સરહદી સલામતી દળના ઓલ ટેરેન વાહનોમાંથી સર સામાન લોડ કરી ચોકીઓ ઉપર પહોંચાડવામાં આવી રહ્યો છે, કારણ કે, ગુહર પાપડીમાં પણ પાણી ભરાયેલું હોવાનું અત્રેના પ્રાંત અધિકારી સૂરજ સુથારે જણાવ્યું હતું. લક્કીનાળા કેમ્પોમાં માલસામાન માટે નાના વાહનોની મદદ લેવામાં આવી રહી છે. બહારથી આવતી યાત્રિક બસોને પણ ફાટક પાસે રોકી નાના વાહનો મારફતે પોલીસ દ્વારા જવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. નારાયણ સરોવર સહિત સેહ, કનોજ, ગુહર સહિતના છેવાડાના ગામની અધિકારીઓએ મુલાકાત કરી હતી.

બી.એસ.એફ. બી.ઓ.પી, કમળાદેવી મંદિર, નારાયણ સરોવર પ્રાથમિક શાળા, ઝૂલેલાલ મંદિર, હોટેલ તોરણ ખાતે પણ વરસાદી પાણી ભરાયેલાં છે તેમજ આ સીમાવર્તી વિસ્તારોમાં વીજ સમસ્યા યથાવત્ રહેતાં લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરમ્યાન, રાજ્યમાં સૌથી વધુ 177 ટકા ખાબકેલા વરસાદના કારણે રાજ્ય પરિવહન વિભાગને વ્યાપકપણે અવળી અસર પહોંચી છે.

અબડાસા તાલુકાના વડા મથક નલિયા એસ.ટી ડેપોના મહત્વના બે રૂટ પણ માર્ગ અવરોધના બંધ થવા પામ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. નલિયા એસ.ટી ડેપોની બસો નલિયાથી માંડવી અને નલિયાથી બીટા નખત્રાણા રૂટ, બારાથી ગુડથર વાળા મતિયા દેવ રૂટ અને માતાના મઢ રૂટની બસોને જ્યાં સુધી માર્ગ પૂર્વવત ના થાય ત્યાં થોભાવી દેવામાં આવતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે.

શુક્રવારથી નીકળેલી વરાપ વચ્ચે હજુ પણ અનેક નદીઓ કોઝવે પરથી વહી રહી હોવાથી વાહન વ્યવહારને અસર પહોંચી રહી હોવાનું નલિયા એસ.ટી ડેપોના અધિકારી ચંદનસિંહે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button