નારણ રાઠવા તેમના દીકરા સાથે ભાજપમાં જોડાયા, લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો
અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઘણા દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઇ રહ્યા છે. એવામાં આજે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન નારણભાઈ રાઠવા (Naranbhai Rathwa) પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે તેમના દીકરા સંગ્રામ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત 11 હજાર જેટલા કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાયા છે.
ભજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, 10500 થી વધુ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. વડા પ્રધાન પર ભરોસો મૂકી એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે તમે અગાઉ જે પક્ષમાં હતા તે દિશાવિહીન પક્ષ હતો. વડા પ્રધાને પહેલા 5 વર્ષમાં ખાડા પુર્યા અને પછીના 5 વર્ષમાં વિકાસ કર્યો. પ્રધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કામથી વિદેશના નેતાઓ પણ ખુશ છે.
કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો છે કારણ કે રાઠવાની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. રાઠવા યુપીએ સરકારમાં રેલ્વે રાજ્ય પ્રધાન હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો હતો.
67 વર્ષના નારણભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. રાઠવા 1989માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. આ પછી તેઓ 1991, 1996, 1998 અને 2004માં પણ ચૂંટણી જીત્યા હતા. તેઓ છોટા ઉદેપુરના સાંસદ હતા. તેઓ 2004 થી 2009 વચ્ચે યુપીએ-1માં રેલ્વે રાજ્ય પ્રધાન હતા.
2009ની લોકસભા ચૂંટણીમાં રાઠવા ભાજપના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. આ પછી, તેમણે લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું ન હતું. 2018માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા. તાજેતરમાં જ તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો હતો.
.