આપણું ગુજરાત

નમો લક્ષ્મી યોજના: કન્યા કેળવણીમાં ગુજરાતનું મોટું પગલું, 10 લાખ વિદ્યાર્થિનીઓને ફાયદો

ગાંધીનગરઃ ગુજરાતની દીકરીઓ માટે હવે શિક્ષણ માત્ર એક અધિકાર નહિં પણ સશક્તિકરણની ગેરંટી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શરૂ કરાયેલ ‘નમો લક્ષ્મી યોજના’ એ કન્યા કેળવણીના ઇતિહાસમાં એક સુવર્ણ સીમાચિહ્નરૂપ પગલું સાબિત થઈ રહ્યું છે. ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ અત્યાર સુધીમાં રાજ્યની ૧૦ લાખથી વધુ વિદ્યાર્થિનીઓને રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.

નમો લક્ષ્મી યોજના માટે કેટલું બજેટ ફાળવ્યું?

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના અંદાજપત્રમાં આ યોજના માટે રૂ. ૧,૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ ૯ થી ૧૨ સુધીનો અભ્યાસ પૂર્ણ કરનાર લાભાર્થી દીકરીને રાજ્ય સરકાર કુલ રૂ. ૫૦ હજાર સુધીની સહાય આપીને ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પરનું આર્થિક ભારણ હળવું કરે છે. આ સહાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને મળવાપાત્ર છે. આ યોજનામાં મહત્વની બાબત એ છે કે, જો વિદ્યાર્થિનીને સરકારની અન્ય કોઈ સ્કોલરશિપ મળતી હોય, તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો : ઝૂંપડા વીજળીકરણ યોજનાઃ ગુજરાત સરકારે 10 લાખથી વધુ ગરીબોના જીવનમાં પ્રકાશ પાથર્યો

દર મહિને લાભાર્થીના ખાતામાં કેટલી રકમ જમા થાય છે

નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૯ અને ૧૦માં મળીને કુલ રૂ. ૨૦ હજાર અને ધોરણ ૧૧ અને ૧૨ માં મળીને કુલ રૂ. ૩૦ હજારની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય દર મહિને લાભાર્થીના ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. જેમાં દર મહિને ધો. ૯-૧૦માં રૂ. ૫૦૦ અને ધો. ૧૧-૧૨માં રૂ.૭૫૦ આપવામાં આવે છે જ્યારે, બાકીની રકમ સંબંધિત બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા પછી જમા કરવામાં આવે છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અથવા આર.ટી.ઇ. હેઠળ ધોરણ-૮નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય અને કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ સુધીની હોય તેવી તમામ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં નલ સે જલ યોજનાની શું છે સ્થિતિ? ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં શું બહાર આવી વિગત

‘નમો લક્ષ્મી પોર્ટલ’ પણ કાર્યરત

આ યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો લક્ષ્મી પોર્ટલ’ પણ કાર્યરત કરવામાં આવ્યું છે. પોર્ટલ દ્વારા સહાયની રકમ સીધી જ વિદ્યાર્થિનીના અથવા તેની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. ધોરણ ૯ થી ૧૨માં ભણતી તમામ વિદ્યાર્થિનીઓની નોંધણી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)માં થતી હોય છે, જેની સમગ્ર વિગતોને નમો લક્ષ્મી પોર્ટલ પર લઇ જવામાં આવે છે. સંબંધિત શાળાઓના વર્ગ શિક્ષકો જ્યારે પોતાના વર્ગની વિગતો પોર્ટલ પર સિલેક્ટ કરે એટલે તેમને વર્ગમાં ભણતી તમામ વિદ્યાર્થિનીઓનો ડેટા તેમાં જોવા મળે છે, જેમાં વર્ગ શિક્ષકો વિદ્યાર્થિનીના આધારકાર્ડ, શાળાનું આઈકાર્ડ, માર્કશીટ, આવકનો દાખલો, બેંક ખાતાની પાસબુકની નકલ, જન્મતારીખનો દાખલો અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજોની વિગતો દાખલ કરે છે. આ વિગતો વર્ગ શિક્ષકે વિદ્યાર્થિનીના માતા-પિતા પાસેથી મેળવવાની રહે છે.

આ પણ વાંચો : હાઈકોર્ટે સિલિકોસિસગ્રસ્ત લોકો અંગેની યોજનાઓ મામલે પ્રિન્સિપાલ સેક્રેટરીની એફિડેવિટ નકારી…

પાત્રતા ધરાવનાર વિદ્યાર્થિનીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા પછી વહેલામાં વહેલી તકે ચકાસણી પૂરી કરીને જુલાઇ માસમાં જૂન અને જુલાઇની સહાયની રકમ એકસાથે વિદ્યાર્થિનીની માતા અથવા વિદ્યાર્થિનીના સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન બાકીના મહિનાઓની સહાયની રકમ જે-તે મહિનાની ૧૦ તારીખ સુધીમાં સંબંધિત બેન્ક ખાતામાં જમા કરાવવામાં આવે છે. યોજના શરૂ થયાના ટૂંકા ગાળામાં જ સરકારે ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાયની સફળતાપૂર્વક ચૂકવણી કરી છે.

રાજ્ય સરકારે આ યોજના થકી રાજ્યની લાખો દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનો સંકલ્પ લીધો છે. ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ના સંકલ્પને સાકાર કરતી આ યોજના, માત્ર આર્થિક સહાય નથી, પરંતુ રાજ્યની નારીશક્તિના આત્મસન્માન અને ઉચ્ચ શિક્ષણના માર્ગને પ્રકાશિત કરતી મશાલ છે. રાજ્યની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે દીકરીઓના આત્મસન્માન અને વધુ સારું ઉચ્ચ શિક્ષણ આપવાના સંકલ્પ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘નમો લક્ષ્મી યોજના’ અમલી બનાવાઈ છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી આર્થિક કારણોસર કોઈ પણ દીકરીએ શિક્ષણ છોડવું ન પડે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ યોજના અમલી બનાવાઈ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button