આપણું ગુજરાત

Nalsarovar-Thol facelift: નળસરોવર અને થોળ સરોવરની કાયાપલટ થશે, આ સુવિધાઓ વિકસાવવામાં આવશે

અમદાવાદ શહેરની નજીક આવેલા બે બર્ડ વોચીંગ માટેના સ્થળો નળસરોવર અને થોળ તળાવની કાયાપલટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર શિયાળામાં હજારો સ્થળાંતર કરનારા પક્ષીઓ આ સરોવરોમાં આવે છે, આ બંને સ્થળો અમદાવાદીઓ માટે મનપસંદ પિકનિક સ્પોટ છે. પ્રથમ વખત પ્રવાસન વિભાગે આ બંને સરોવર પર સુવિધાઓ વધારવા ડેવલપમેન્ટ પ્લાન જાહેરાત કરી કરી છે.

જાહેર કરવામાં આવેલા ડેવલપમેન્ટ પ્લાન હેઠળ બર્ડ વોચિંગ માટે નવા પોઈન્ટ્સ, ગાઝેબોસ, આધુનિક બોટિંગ સર્વિસ અને ફૂડ કોર્નર્સનો સમાવેશ થાય છે.

નળસરોવર ખાતે, હાલના કમ્પાઉન્ડ વોલના કેટલાક ભાગોને દૂર કરીને સરોવરને વધુ સુલભ બનાવવાના પ્રયાસો કરવામાં આવશે, હાલ આ દીવાલ સરોવરના વ્યુને અવરોધે છે. સ્થળની સુંદરતા વધારવા માટે રંગબેરંગી ઝંડાઓથી શણગારેલી ગેલેરી પણ તૈયાર કરવામાં આવશે.

નળસરોવરને 2012માં રામસર સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. આ સરોવર 12,000 હેક્ટરમાં ફેલાયેલું છે, દરવર્ષે હજારો પ્રવાસી પક્ષીઓ સ્થળની મુલાકાત લે છે. પરંતુ તેમ છતાં, અહીં ઓછી સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. દરરોજ, લગભગ 200 મુલાકાતીઓ નળસરોવરની મુલાકત લે છે. થોળ તળાવમાં મુલાકાતીઓની સંખ્યા એનાથી પણ ઘણી ઓછી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રવાસન વિભાગે મુલાકાતીઓની સંખ્યમાં ઓછામાં ઓછો 10 ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેના માટે આ સ્થળો પર ડેવલપમેન્ટ પ્લાન રજુ કરવામાં આવ્યો છે.

નવી યોજનાઓ હેઠળ વાહનો માટે પર્યાપ્ત પાર્કિંગની જગ્યા બનાવવામાં આવશે. લેકફ્રન્ટ નો-વ્હીકલ એરિયા હશે. મુસાફરોને લઈ જવા માટે માત્ર ઈ-વાહનોને જ મંજૂરી આપવામાં આવશે.

હાલમાં, નળસરોવર પર હાલ માત્ર બોટિંગની સુવિધા છે, પરંતુ નવી યોજના હેઠળ કેમ્પિંગ સાઇટ્સ, નેચર ટ્રેલ્સ અને થીમ પાર્ક બનાવવામાં આવશે. વધુમાં, નળસરોવરમાં વિશાળ એમ્ફી થિયેટર અને વૉચટાવર વિકસાવવામાં આવશે. પ્રવેશ દ્વાર પર ફ્લેમિંગોનાં સ્ટેચ્યુ મૂકવામાં આવશે. નળસરોવર પ્રોજેક્ટનું બજેટ રૂ. 30 કરોડનું છે.

કલોલ નજીક આવેલા થોળ સરોવરમાં હાલમાં સુવિધાઓનો અભાવ છે, મુલાકાતીઓ બર્ડ વોચીંગ માટે સ્વતંત્ર રીતે સરોવર વિસ્તારમાં જાય છે. નવી યોજના હેઠળ વોટર સ્પોર્ટ્સ એક્ટીવીટી સાથે સાથે એક ઓબ્ઝર્વેટરી ડેક અને બર્ડ વોચીંગ એરિયા બનાવવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button