નળ સરોવરનો જામશે માહોલઃ ડિસેમ્બરથી બોટિંગ શરૂ થવાની સંભાવના…

અમદાવાદઃ ગુજરાતના ગૌરવ સમાન અને આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ તરીકે ખ્યાતિ પામેલા નળ સરોવર પક્ષી અભયારણ્યમાં દિવાળી વેકેશનની બરાબર મધ્યમાં જ બોટિંગ સેવાઓ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. જેના કારણે શિયાળાની ઋતુ અને વેકેશનની મજા માણવા દૂર-દૂરથી આવતા હજારો પ્રવાસીઓને ઘોર નિરાશા સાંપડી રહી છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં બોટિંગ પ્રવૃત્તિઓ જૂન 2024 થી સ્થગિત છે, જે હવે ડિસેમ્બર સુધીમાં ફરી શરૂ થવાની સંભાવના છે.
સૂત્રોએ જણાવ્યું કે ઓપરેટરો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્થાનિક બનાવટની બોટ માટે મેન્યુફેક્ચરરના પ્રમાણપત્રોના અભાવે પ્રક્રિયામાં વિલંબ થયો છે. પ્રતિબંધ પહેલા તળાવમાં લગભગ 250 બોટમેન કાર્યરત હતા. હવે ગુજરાત મેરીટાઇમ બોર્ડને બોટની તપાસ કરવા અને તેમની નોંધણી અને લાયસન્સ આપતા પહેલા સુરક્ષા પ્રમાણપત્રો જારી કરવા માટે જોડવામાં આવ્યું છે.
જોકે, બોટમેનોએ લાંબા સમયથી ચાલી રહેલા સ્થગિતતા અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સૂત્રોએ કહ્યું, અમે તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા છે અને એક સ્થાનિક સમિતિ પણ બનાવી છે. પરંતુ અમારી બોટ જૂની અને સ્થાનિક રીતે બનાવેલી હોવાથી, અમે મેન્યુફેક્ચરરનું પ્રમાણપત્ર આપી શકતા નથી. બસ આ એક જ બાબત અમને અટકાવી રહી છે.
આ વિલંબને કારણે આ સમુદાયને આખી પ્રવાસી સિઝન ગુમાવવી પડી છે. સામાન્ય રીતે, પ્રવાસીઓનો ધસારો ઓક્ટોબરથી માર્ચની વચ્ચે ચરમસીમાએ હોય છે, જેમાં દરરોજ લગભગ 1,200-1,400 મુલાકાતીઓ આવતા હોય છે. એક સ્થાનિક ઓપરેટરે જણાવ્યું કે, એક બોટમેન સામાન્ય રીતે પ્રવાસી દીઠ ₹300 ચાર્જ કરીને સિઝનમાં આશરે ₹50,000 કમાય છે.
આ ઉપરાંત સૂત્રોએ એમ પણ કહ્યું, પ્રવાસીઓ હજી પણ પિકનિક અથવા કિનારા પરથી પક્ષી નિરીક્ષણ માટે તળાવની મુલાકાત લે છે. પરંતુ જેઓ બોટિંગ સ્થગિત થવાથી વાકેફ છે તેઓ થોળ તળાવ જવાનું પસંદ કરે છે, જ્યાં પક્ષીઓના દર્શન સમાન છે અને પહોંચવું પણ સરળ છે.
નળ સરોવરની આસપાસના વેકરીયા,મેની, ધરજી , રાણાગઢ સહિતના 15 જેટલા ગામોના 500થી વધુ પરિવારો મુખ્યત્વે આ પ્રવાસન પ્રવૃત્તિઓ પર નિર્ભર છે. આ ગામોના લોકો નાવિક તરીકે બોટિંગ સેવા આપીને, નાસ્તા-ખાદ્ય પદાર્થોના સ્ટોલ લગાવીને તેમજ ઘોડેસવારી જેવી સેવાઓ દ્વારા પોતાનું ગુજરાન ચલાવતા હતા. બોટિંગ અને ઘોડેસવારી જેવી સેવાઓ બંધ થવાથી, આ પરિવારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે અને તેમની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.



