નલિયા 5 ડિગ્રીમાં ઠુંઠવાયું, અમદાવાદમાં 16 ડિગ્રી.. જાણો ગુજરાતમાં ક્યાં કેટલી ઠંડી?

હવામાન ખાતાની માવઠાની આગાહીને પગલે રાજ્યમાં ઘણી જગ્યાએ છુટોછવાયો કમોસમી વરસાદનો માહોલ હતો, એ પછી હવે ઠંડીમાં વધારો થયો હોય તેવું જણાઇ રહ્યું છે.
રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે, આજનું લઘુત્તમ તાપમાન નલિયામાં ફક્ત 5 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કોઇ ફેરફાર થવાની સંભાવના નથી, જો કે 3 દિવસ બાદ તાપમાન વધી શકે છે. તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી, આણંદમાં 16 ડિગ્રી, વલસાડમાં 14, સુરતમાં 19, ભુજમાં 11, દ્વારકામાં 15, ઓખામાં 19, રાજકોટમાં 12 ડિગ્રી, વેરાવળમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળ્યું હતું.
દર વર્ષે જેવી રીતે સમગ્ર રાજ્યમાં સૌથી ઠંડું સ્થળ નલિયા રહેતું હોય છે તેમ આ વર્ષે પણ એવું જ દેખાઈ રહ્યું છે. નલિયાની આજુબાજુ રેતાળ જમીન છે ઉપરાંત દરિયાકાંઠાનો પ્રદેશ હોવાથી તાપમાન નીચું જતું હોય છે. નલિયા વિસ્તાર રણપ્રદેશ અને નીચાણવાળા વિસ્તારોને લીધે ઠંડીનું પ્રમાણ વધારે છે તો ઠંડા પવનને રોકી શકે તેવું કોઈ કુદરતી કવચ નલિયા પાસે નથી. રાત્રિ દરમિયાન ઠંડા પવનને કારણે રણની રેતી પણ ઠંડી થઇ જાય છે.
રાજયમાં ઠંડીના ઇતિહાસની સૌથી કાતિલ ઠંડી નલિયાનાં નામે જ નોંધાયેલું છે. નલિયાનું લઘુતમ તાપમાન 1964માં 0.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો ત્યાર બાદ વર્ષ 2012માં 0.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું