રાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: વિધાનસભામાં સરકારે આપી માહિતી | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

રાજ્યના કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં: વિધાનસભામાં સરકારે આપી માહિતી

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહમાં ‘જલજીવન’ મિશન અને ‘નલ સે જલ’ યોજના વિશે માહિતી આપતાં રાજ્યના જળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યનાં કુલ ૯૧ લાખ ઘરોને નળ કનેક્શનથી જોડવામાં આવ્યાં છે. જે અંતર્ગત, જૂથ યોજનામાં લગભગ તમામ ગામોની ઓકટોબર-૨૦૨૨ સુધીમાં આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેતાં કામોમાં પણ રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કામગીરી હાલ ચાલુ છે.

આ અંગે મજળસંપત્તિ પ્રધાન કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે, રાજ્યમાં આંતરિક પેય જળ વ્યવસ્થા, સેક્ટર રિફોર્મ પાયલોટ પ્રોજેકટ અને વર્ષ-૨૦૦૨માં આંતરિક પેય જળ વ્યવસ્થાના ભાગરૂપે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન)ની રચના કરી હતી. ગ્રામ પંચાયત સુધીની વિવિધ વ્યવસ્થા કરી હતી. ત્યાર બાદ, ૧૦ ટકા લોકભાગીદારીથી સ્વજલધારા અને સેકટર રિફોર્મ યોજના અને વર્ષ-૨૦૧૨થી ૨૦૧૯ સુધી રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ યોજનાની નવી ગાઈડલાઈન સાથે વાસ્મો મારફતે સમગ્ર રાજ્યમાં કામગીરી કરવામાં આવી હતી. આ પ્રકારે રાજ્યના કુલ ૯૧ લાખ ઘર પૈકી ૬૫ લાખ ઘર, એટલે કે ૭૧ ટકા નળ કનેક્શનની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે ૨૦૧૯થી ‘જલજીવન’ મિશન ‘નલ સે જલ’ યોજનાના અમલ પછી વર્ષ-૨૦૨૪ સુધીમાં બાકીનાં ૨૬ લાખ ઘરોમાં પણ નવા નળ કનેકશન આપવામાં આવ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાતમાં અટલ ભૂજલ યોજનાના સારા પરિણામો , 36 તાલુકામાં ભૂગર્ભ જળ સ્તર 4 મીટર સુધી ઊંચા આવ્યા

અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિસ્તારોમાં નળ જોડાણ માટે કુલ ખર્ચના ૧૦ ટકા લોકફાળા રૂપે એકત્ર કરવામાં આવતાં, પરંતુ ભૌગોલિક સ્થિતિને કારણે બાકી રહી ગયેલા, ખાસ કરીને આદિજાતિ વિસ્તારોમાં, જ્યાં પંચાયત/પાણી સમિતિની આર્થિક સ્થિતિ નબળી હોય, તેવા આદિજાતિ વિસ્તારો માટે ૧૦ ટકા લોકફાળો રાજ્ય સરકારે ભોગવી આ કામગીરી કરવામાં આવી છે.

એટલું જ નહીં, આદિજાતિ વિસ્તારોમાં ઘરો છૂટાછવાયા હોઈ, શરૂઆતમાં ૨૦ ઘરોનું કલ્સ્ટર બનાવીને અને છેલ્લે ૧૦ ઘરોના કલ્સ્ટરને જોડીને પણ ‘નલ સે જલ’ હેઠળ આંતરિક વિતરણ વ્યવસ્થાની કામગીરી કરી છે.આ ઉપરાંત, પાણીના સોર્સને ટકાઉપણા માટે જૂથ યોજનાઓના મજબૂતીકરણ અને સરફેસ સોર્સ માટે બલ્ક પાઈપ લાઈનના કામો હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ કુલ 13 પાઈપલાઇનની કામગીરી પૂર્ણ, અનેક ગામોને ફાયદો થશે…

‘જલ જીવન મિશન’ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં મળેલ ફરિયાદો અંગેની કાર્યવાહી વિશે માહિતી આપતાં કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં કુલ ૭૧૪ ગામો પૈકી ૬૮૦ ગામોમાં ઘરે ઘરે નળ માટેની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે.

આ કામગીરી અંગેની ફરિયાદો અંગે ૬૩૦ ગામમાં તપાસ કરાતાં અનિયમિતતાઓ ધ્યાને આવતાં ૧૧૨ એજન્સીઓને ડિબાર્ડ કરવામાં આવેલ છે. જ્યારે ૧૨૨ એજન્સી તેમજ ૪૧ પાણી સમિતિ સામે રિકવરીના આદેશ કરીને આજ દિન સુધીમાં રૂ. ૨.૯૭ કરોડની વસૂલાત કરવામાં આવી છે. તદુપરાંત, ૧૨ જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button