હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યા કેસનો આરોપી દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયો...

હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યા કેસનો આરોપી દેવભૂમિ દ્વારકામાંથી ઝડપાયો…

જામ ખંભાળિયા: હરિયાણાના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય રાષ્ટ્રીય લોકદળના પ્રદેશ પ્રમુખ નેફ સિંહ રાઠીની હત્યાના કેસમાં નાસતા-ફરતા આરોપી જાહીર અબ્બાસ રફુદ્દીન અબ્દુલ કાદિર કાલિયાને દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા એસઓજી અને હરિયાણા એસટીએફના સંયુક્ત ઓપરેશનમાં આ ધરપકડ કરવામાં આવી હતી.

દેવભૂમિ દ્વારકા એસઓજી દ્વારા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસઓજીના એએસઆઈ રાજેન્દ્રસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના નાગલ ચૌધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં છેલ્લા ચાર મહિનાથી ફરાર આરોપી જાહીર અબ્બાસ જામ ખંભાળિયામાં આવેલો છે.

આરોપી જાહીર અબ્બાસ પર આઈપીસી કલમ 419, 420, 467, 468, 471, 120B અને પાસપોર્ટ એક્ટ 12(1) હેઠળ ગુનો નોંધાયેલો છે. આ ગુનાની તપાસ હરિયાણા એસટીએફ દ્વારા કરવામાં આવી રહી હતી. માહિતી મળતા જ હરિયાણા એસટીએફની ટીમ દેવભૂમિ દ્વારકા પહોંચી હતી અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી જાહીર અબ્બાસને ઝડપી પાડ્યો હતો.

પૂછપરછ દરમિયાન ખુલાસો થયો હતો કે, 25 ફેબ્રુઆરી, 2024ના રોજ હરિયાણાના પૂર્વ ધારાસભ્ય નેફ સિંહ રાઠીની કોન્ટ્રાક્ટ કિલિંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ અને હરિયાણા એસટીએફ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું કે, આ હત્યા યુકે-સ્થિત ઓર્ગેનાઇઝ્ડ કોન્ટ્રાક્ટ કિલિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર કપિલ સાંગવાને તેની ગેંગના શૂટરો અતુલ રાજેશકુમાર સાંગવાન અને નકુલ સાંગવાન મારફતે કરાવી હતી. આ શૂટરોએ હત્યા કરતા પહેલા ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ-અલગ પાસપોર્ટ એજન્ટો મારફતે બનાવટી દસ્તાવેજોના આધારે યશ સોલંકી અને દીપક સોલંકી નામનો નકલી પાસપોર્ટ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આરોપી જાહીર અબ્બાસ અગાઉ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં પાસપોર્ટ એજન્ટ તરીકે ગુનો નોંધાયેલો હતો અને તે બાબતે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ ધરપકડથી હરિયાણાના પૂર્વ ધારાસભ્યની હત્યા કેસમાં મહત્વપૂર્ણ કડી મળી છે અને આગળની તપાસ ચાલી રહી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button