અગાઉના વિવાદનું મનદુખ રાખી લખપતમાં પરિણીત યુવકની ઘાતકી હત્યા

ભુજ: એક પરિણીત મહિલા સાથે અનૈતિક સંબંધના મુદ્દે અગાઉ થયેલા વિવાદનું મનદુ:ખ રાખી લખપત તાલુકાના મીંઢિયારી ગામની સીમમાં આવેલા ખેતરમાં અબ્દુલ સિધિક સોઢા નામના પરિણીત યુવકની તેના સગા માસીયાઈ ભાઈ સલીમ જુમા થુડિયાએ તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા નીપજાવી દેતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ બનાવ અંગે નારાયણ સરોવર પોલીસમાં સિધિક જુસબ સોઢાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ભત્રીજાએ ફોન કરીને અબ્દુલનો મૃતદેહ તેમના ખેતરમાં પડ્યો હોવા અંગે જાણ કરી હતી. હતભાગી અબ્દુલ ગામની સીમમાં ધ્રોસ તળાવના કિનારે આવેલા જુજારદાન ગઢવીના ખેતરમાં ભાગીદારીમાં ખેતી કરતો હતો.
Also Read – કચ્છના ચકચારી હનીટ્રેપ કેસના આરોપી મનીષા ગોસ્વામીના જામીન મંજુર
અગાઉ પરિણીતા સાથે અનૈતિક સંબંધોના કારણે બંને વચ્ચે ઝઘડો થયો તે બાબતનું મનદુ:ખ રાખી જુણાગિયાના આરોપી સલીમે તેના ભાઈ અબ્દુલનું ઢીમ ઢાળી દીધું હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું. હતભાગીના પિતા અને ભાઈ જ્યારે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ખેતરની વચ્ચે લોહીલુહાણ હાલતમાં અબ્દુલની લાશ પડી હતી. કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તેના ગળાના ભાગે તથા ડાબા ગાલ પર ઊંડા ઘા મારી હત્યા નીપજાવી હોવાનું જણાવાયું હતું. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીની અટક કરી લીધી હોવાનું પી.એસ.આઈ એમ.એચ. પટેલે જણાવ્યું હતું.