મિત્રના મોંઘા ફોનની લાલચે બે દીકરીઓ પાસેથી પિતાની છત્રછાયા છીનવી લીધી
ભુજ: અંજારના વરસામેડીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને બે પુત્રીઓના પિતા એવા ૩૨ વર્ષીય રાહુલકુમાર રાકેશકુમાર ગૌડનું ગળું ચીરી, કેનાલમાં ફેંકી, ઘાતકી હત્યા તેના જ મકાનમાં રહેતાં યુવકે એક સાગરીત સાથે મળીને કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. હતભાગી રાહુલે થોડાંક સમય અગાઉ પચાસ હજાર રૂપિયામાં ખરીદેલો સેકન્ડ હેન્ડ સેમસંગ ગેલેક્સી અલ્ટ્રા ૨૨ સ્માર્ટ ફોન હત્યાનું કારણ હોવાનું બહાર આવ્યું છે!. મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો વતની રાહુલ ગૌડ અને તેની પત્ની પૂજા ગૌડ વેલસ્પન કંપનીમાં અલગ અલગ યુનિટમાં નોકરી કરે છે. તેમના ભાડાના ઘરના એક રૂમમાં રાહુલનો હમવતની મિત્ર ઈન્દ્રજીત ગુર્જર છેલ્લાં અઢી વર્ષથી રહેતો હતો. ઈન્દ્રજીત ગુર્જર પણ વેલસ્પન કંપનીના સિક્યોરીટી વિભાગમાં બાઉન્સર તરીકે નોકરી કરે છે.
ગત શુક્રવારે બપોરે અંજારના અરિહંતનગર પાછળની નર્મદા કેનાલમાંથી રાહુલનો ગળા પર છરી જેવા તીક્ષણ હથિયારના ત્રણ ઘાના નિશાન સાથે મૃતદેહ મળી આવ્યો હતો. રાહુલ ગુરુવારે સાંજે સાત વાગ્યે નોકરી પરથી છૂટ્યાં બાદ ગાયબ થયો હતો. હત્યાના પગલે અંજાર પોલીસ ઈન્સ્પેક્ટર એ.આર. ગોહિલે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સને એક્ટિવ કરી દીધાં હતાં અને ગણતરીના કલાકોમાં જ પોલીસના રડાર પર ઈન્દ્રજીત ગુર્જર આવી ગયો હતો. પી.આઈ ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે, તેમની ટુકડીએ ગણતરીના કલાકોમાં ઈન્દ્રજીત ગુર્જરની ધરપકડ કરી છે, હત્યામાં તેનો મિત્ર ધીરજકુમાર પણ સામેલ હતો. જો કે, ધીરજકુમાર હાલ ફરાર છે.
Also read: ભુજમાં વધુ એક ગૃહિણી બની ડિજિટલ એરેસ્ટનો ભોગ, પતિને વાત કરતાં થઈ જાણ
રાહુલે થોડાંક સમય અગાઉ સેમસંગ ગેલેક્સી કંપનીનો યુઝડ અલ્ટ્રા ૨૨ સ્માર્ટ ફોન પચાસ હજાર રૂપિયામાં ખરીદયો હતો. ઈન્દ્રજીતે આ ફોન ૬૦-૭૦ હજાર રૂપિયામાં વેચી આપી ફાયદો કરાવી આપશે તેમ રાહુલને જણાવ્યું હતું જો કે
આ મોંઘો ફોન જોઈને ઈન્દ્રજીતને લાલચ જાગી હતી . તેણે થોડાંક સમય અગાઉ યુપીથી તેના મિત્ર ધીરજકુમારને અંજારમાં બોલાવેલો અને નોકરીએ રખાવી દેવાનું વચન આપ્યું હતું. ઈન્દ્રજીતે ધીરજકુમાર જોડે મળીને આ મોબાઈલ ફોન લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હતું. ગુરુવારે સાંજે રાહુલ ઘરે પહોંચ્યો કે તુરંત ઈન્દ્રજીત તેને ફરવાના બહાને નર્મદા કેનાલ પાસે લઈ આવ્યો હતો. ઈન્દ્રજીતે જાણ કરતાં ધીરજ પણ બનાવ સ્થળે પહોંચ્યો હતો.
બંને જણે પાસવર્ડ જાણીને ફોન લઈ લીધો હતો. બાદમાં ઈન્દ્રજીતે રાહુલને પકડી રાખેલો અને ધીરજે તેના ગળામાં છરી વડે વાર કરી તેને કેનાલમાં પીડાથી કણસતી હાલતમાં ફેંકી દીધો હતો. ધીરજકુમાર અને ઈન્દ્રજીત અગાઉ લખનૌમાં સાથે કામ કરતાં હતાં. ધીરજકુમાર દિલ્હીના એક ચકચારી ખૂન કેસમાં પણ પોલીસ ચોપડે ચઢી ચૂકેલો છે. ધીરજને ઝડપી પાડવા ચોમેર શોધખોળ ચાલી રહી હોવાનું ગોહિલે ઉમેર્યું હતું.