અમદાવાદને બીજું દિલ્હી બનતું અટકાવવા મ્યુનિ. કમિશનરની તાકીદ | મુંબઈ સમાચાર

અમદાવાદને બીજું દિલ્હી બનતું અટકાવવા મ્યુનિ. કમિશનરની તાકીદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરમાં દિન પ્રતિદિન હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. ખાસ કરીને શહેરના રખિયાલ અને રાયખડ વિસ્તારમાં સૌથી વધુ હવાનું પ્રદૂષણ હોવાનું બહાર આવ્યું છે. શહેરના રખિયાલ વિસ્તારમાં ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે અને રાયખડ વિસ્તારમાં વાહનો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે, તેના કારણે આ વિસ્તારોની હવા ઝેરી બની રહી છે. અમદાવાદમાં વધતા જતા હવા પ્રદૂષણને લઇ મનપાએ ખાસ પ્લાન બનાવવા માટેની સૂચના રિવ્યુ કમિટીમાં આપી હતી. આ ઉપરાંત ડસ્ટ ફ્રી રોડ માટે પણ તાકીદ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મનપા કમિશનરના અધ્યક્ષ સ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં શહેરની એર ક્વોલીટી બાબતે સઘન ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં વધતા જતા પ્રદૂષણ મામલે અધિકારીઓએ મનપા કમિશનરને જાણકારી આપી હતી. કમિશનરે કહ્યું હતું આ બાબતે અધિકારીઓ પાસેથી સૂચન માગ્યા હતા. હવાના પ્રદૂષણ અંગે હેલ્થ ઓફિસરોને કામગીરી સોંપી અને જ્યાં પણ સૌથી વધુ હોવાનું પ્રદૂષણ જોવા મળે તેના કારણો તપાસી સંબંધિત વિભાગો પાસે કામગીરી કરાવવા માટે જણાવ્યું હતું. એર પોલ્યુશન રોકવા માટે એસ્ટેટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ સહિતના વિભાગોને કામગીરી અંગે સૂચના આપવામાં આપી હતી, કાંકરીયા રેલવે યાર્ડ પાસેથી જે ટ્રકો પસાર થાય છે તેમાંથી માટી ઊડે છે, તેના કારણે પણ પ્રદૂષણ ફેલાય છે. આ બાબતે રેલવે સાથે સંકલન કરીને કામગીરી કરવા જવાબદાર વિભાગને સૂચના આપી હતી. ચાલુ બાંધકામ સાઈટો ઉપર ગ્રીન નેટ લગાવી સાઈટોની આસપાસ વોટર સ્પ્રીંક્લર લગાવવા જેના કારણે માટી ન ઉડે વગેરે બાબતે સૂચના આપી હતી.

Back to top button