અમદાવાદની પ્રદૂષિત હવા માટે મ્યુનિસિપલ સત્તાધીશો જવાબદાર: કૉંગ્રેસનો આક્ષેપ
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરની હવા ઝેરી બની રહી છે. શહેરના રાયખડ અને રખિયાલ વિસ્તારમાં હવાના પ્રદૂષણમાં અસામાન્ય હદે વધારો થયો છે. મનપા કમિશનરે પણ શહેરની પ્રદૂષિત થતી હવા મામલે ચિંતા વ્યક્ત કરી છે. કેન્દ્ર સરકાર દ્વારા એર ક્વોલિટી ઇન્ડેક્સ સુધારવા માટે કરોડો રૂપિયા ગ્રાન્ટ આપવામાં આવી છે પરંતુ મનપા સત્તાધારી પાર્ટીએ સદર રકમનો યોગ્ય ઉપયોગ કર્યો નથી જેના કારણે શહેરની હવા પ્રદુષિત થઈ રહી છે તેવા આક્ષેપ કૉંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન વધવા અંગે વિપક્ષના નેતાએ જણાવ્યું હતું કે, ભાજપના સત્તાધીશો હવા શુદ્ધ કરવાના નામે કરોડો રૂપિયા ખર્ચવા છતાં અમદાવાદ શહેરની પ્રજાને શુદ્ધ હવા મળતી નથી. મનપા સત્તાધારી ભાજપ એર પોલ્યુશન ઘટાડવા મળતી ગ્રાન્ટ પૈકી મોટી રકમ તેઓના માનીતા કોન્ટ્રાકટરોના લાભાર્થે વાપરવામાં આવે છે. એર પોલ્યુશનમાં વધારો થવા માટે ૩૬ ટકા રોડ ડસ્ટ, ૩૪ ટકા ઘરેલું વિવિધ ઉપયોગ, એસટીપી પ્લાન્ટ તથા ઇન્ડ્રસ્ટીઓ દ્વારા અને ૧૬ ટકા બાંધકામ પ્રવૃતિઓ મુખ્ય કારણ છે. તેમજ નાઇટ્રોજન ઓકસાઇડ વાહનોને કારણે તેમજ સલ્ફર ડાયોકસાઇડ જેવા ગંભીર અને ખતરનાક વાયુઓ ઉદ્યોગો તથા સ્મશાનો દ્વારા હવામાં ફેલાય છે જે ખુબ જ ગંભીર બાબત છે તેમજ વોલ ટુ વોલ રોડ નહી બનવાને ક્રન્ટ્રકશન સાઇટો તથા શહેરમાં નિયમિત યોગ્ય સાફ સફાઇ નહી થવાને કારણે હવામાં ધૂળનું પ્રમાણ ખૂબ જ વધે છે, જેથી એર કવોલીટી ઇન્ડેક્ષ સુધારવા તથા એર પોલ્યુશન ઘટાડવા બાબતે છેલ્લા ચાર વર્ષમાં ખર્ચેલ રૂ.૨૭૯.૫૨ કરોડની માતબર રકમ વેડફાઇ જવા પામેલ છે અમદાવાદ શહેરનો એર કવોલીટી ઇન્ડેક્ષમાં સુધારો થાય તે માટે નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત મળતી ગ્રાન્ટની રકમ માત્ર ને માત્ર એર પોલ્યુશન ઓછું કરવા પાછળ જ વાપરી એર કવોલીટી ઇન્ડેક્ષમાં મહત્તમ સુધારો થાય તેવા નક્કર કામો માટે ખર્ચ કરવો જોઇએ. અમદાવાદ શહેરમાં એર પોલ્યુશન ઓછું કરવા બાબતના કામોમાં આ ૨કમ ખર્ચ કરવી જોઇએ તેની બદલે તે રકમ અન્યત્ર વાપરી એર કવોલીટી સુધારી શકાશે નહીં.