મ્યુનિ. વિક્રમ સર્જવા ભણી: ૧૦ હજાર કરોડનું બજેટ તા. ૩૧મીએ રજૂ થવાની શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકા નવા નાણાકીય વર્ષના બજેટકદમાં વિક્રમ સર્જવા જઇ રહી હોવાની માહિતી આપતાં સૂત્રોએ કહ્યું કે, મ્યુનિ.કમિશનરે સને ૨૦૨૪-૨૫ના વર્ષ માટે ૧૦ હજાર કરોડ જેટલું કદ ધરાવતું ડ્રાફ્ટ બજેટ તા.૩૧મીએ રજૂ કરે તેવી તૈયારીઓ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે કમિશનરે ૮૪૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું, તેમાં શાસક ભાજપે ૧૦૮૨ કરોડનો વધારો સૂચવીને ૯૪૮૨ કરોડનું સામાન્ય બજેટ મંજૂર કર્યું હતું. જોકે, વિકાસ કામો અને અન્ય સુવિધાના કામો માટે કરવામાં આવેલી જોગવાઇ પૈકી અનેક હજુય કાગળ ઉપર રહેવા પામી છે.
મ્યુનિ. બજેટના જાણકારોના જણાવ્યા અનુસાર, ગત નાણાકીય વર્ષના બજેટના આવક-જાવકના હિસાબો હજુ રજૂ થશે ત્યારે જ ખબર પડશે કે બજેટ કેટલું વાસ્તવિક હતું. પરંતુ સને ૨૦૨૨-૨૩ના વર્ષના હિસાબો જોતાં જણાઇ આવે છે કે, સત્તાધીશોએ ૮૮૦૭ કરોડનું બજેટ મંજૂર કર્યા બાદ વર્ષાંતે ૭૮૨૬ કરોડનો કેપિટલ અને રેવન્યૂ ખર્ચ થઇ શક્યો હતો, તે દર્શાવે છે કે, એક હજાર કરોડ જેટલી રકમ ખર્ચ થઇ શકી નહોતી અને બજેટકદ અવાસ્તવિક હતું. સૂત્રોએ સ્વીકાર્યું હતું કે, મ્યુનિ. બજેટમાં વર્ષોથી ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે, પરંતુ દરેક બજેટમાં વર્ષાંતે હિસાબકિતાબ જોતાં જાહેર થયેલાં બજેટ પ્રમાણે આવક-જાવક થતી નથી અને તેના પરિણામે બજેટ વધારે પડતાં કદનું રજૂં થતું હોવાનું પુરવાર થાય છે તેમ છતાં સત્તાધીશો બજેટકદ વધારતાં જઇ રહ્યાં છે. જોકે અન્ય સૂત્રોએ છેલ્લા કેટલાક વર્ષથી બજેટકદ વધારતા જવાના નિર્ણયનો બચાવ કરતાં કહ્યું કે, મ્યુનિ.હદ વિસ્તરણ અને નાગરિક સુવિધાના કામો કરવા માટે બજેટકદ વધારવાની અને ટેક્સમાં વધારો કરવાની ફરજ પડે તે સ્વાભાવિક છે. તે જોતાં નવા નાણાકીય વર્ષના ડ્રાફ્ટ બજેટમાં જંગી ખર્ચાઓને પહોંચી વળવા માટે આવક વધારવાના પ્રયાસોના ભાગરૂપે ટેકસના દરમાં બે થી ત્રણ ટકા સુધીનો વધારો સૂચવાય તેમ મનાય છે.
મ્યુનિ.માં છેલ્લા કેટલાય સમયથી નવા નાણાકીય વર્ષનું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી, જે હવે લગભગ પૂર્ણતાના આરે છે અને કમિશનર એમ.થેન્નારસન લગભગ ૩૧મી જાન્યુઆરીએ ૧૦ હજાર કરોડ આસપાસનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવાનું મન બનાવી ચૂક્યા છે. જો કમિશનર ૧૦ હજાર કરોડ આસપાસનું બજેટ રજૂ કરશે તો શાસક ભાજપ દ્વારા તેમાં વધારો કરીને ૧૧ હજાર કરોડ આસપાસનું બજેટ મંજૂર કરવામાં આવશે તેમ મનાઇ રહ્યું છે. કમિશનરના બજેટમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇને તેમજ નવા વિસ્તારમાં જરૂરિયાત પ્રમાણે રોડ, બ્રિજ, પાણી, ગટર સહિતના વિકાસકાર્યો ઉપરાંત પ્રાથમિક સુવિધાના કામો આવરી લેવાશે.