કંડલામાં ૪૨ કરોડની દાણચોરીના કેસમાં મુંબઈના ઉદ્યોગકારના ગાંધીધામ કોર્ટે જામીન ફગાવ્યા
ભુજ: પાકિસ્તાનથી રોક સોલ્ટ એટલે કે સિંધવ નમકને કંડલાના સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આયાત કર્યાં બાદ તેનું શુધ્ધિકરણ કરી સ્થાનિક બજારમાં વેચી દાણચોરી કરવાના ગુનામાં ઝડપાયેલાં મુંબઈના ઉદ્યોગપતિએ કરેલી જામીન અરજી ગાંધીધામની વિશેષ અદાલતે ફગાવી દેતાં ઉદ્યોગકારની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થયો છે. મૂળ મુંબઈના અને કંડલા સેઝમાં ગ્લોબલ બ્રાન્ડ રીસોર્સીઝ પ્રા.લિમિટેડ નામથી એકમ ધરાવતાં ૩૯ વર્ષિય હિમાંશુ જે. વ્યાસની ગાંધીધામ ડીઆરઆઈ રીજીયોનલ યુનિટે ગત ૧૯મી ડિસેમ્બર ૨૦૨૩ના રોજ ધરપકડ કરી હતી.હિમાંશુએ પાકિસ્તાનથી વાયા દુબઈના જળમાર્ગે ૭૨૯૩ મેટ્રિક ટન રોક સોલ્ટ કંડલા સેઝમાં આયાત કર્યું હતું. પાકિસ્તાને પુલવામાંમાં કરેલા ભીષણ આતંકી હુમલા બાદ ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી આયાત થતી તમામ ચીજવસ્તુઓ પર ૨૦૦ ટકા ડ્યુટી લાદી દીધી છે ત્યારે હિમાંશુ વ્યાસે પાકિસ્તાનથી આયાત કરેલા રોક સોલ્ટનું કંડલા સેઝ સ્થિત તેના યુનિટમાં શુધ્ધિકરણ કર્યાં બાદ તેને ભારતમાં જ ઉત્પાદિત મીઠું ગણાવીને પ્રોડક્ટ કોડ બદલાવી, નિયમ મુજબ ભરવાપાત્ર પાંચ ટકા ડ્યુટી ભરીને સ્થાનિક માર્કેટમાં વેચાણ શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનથી આયાત કરેલાં રોક સોલ્ટ પર ભરવાપાત્ર ૪૪ કરોડની ડ્યુટી સામે તેણે ફક્ત પાંચ ટકા ડ્યુટી ભરીને ૪૨ કરોડની દાણચોરી કરી હોવાનો ગંભીર આરોપ મૂકીને કસ્ટમ્સ એક્ટ તળે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજ બી. જી. ગોલાણીએ બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીના જામીન નામંજૂર કર્યા હતા.