મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ: અંડર સી ટનલ તૈયાર
મુંબઈ: અત્યંત મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક મહત્ત્વનો તબક્કો પાર પડ્યો છે. આ પ્રોજેક્ટ માટે તૈયાર કરવામાં આવી રહેલી અંડર સી ટનલ એટલે કે સમુદ્રમાંથી પસાર થનારી ટનલનું કામ પૂર્ણ થઇ ગયું હોવાનું રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું. તેમણે જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ 2020થી ચાલુ છે અને અંડર સી ટનલની કામગિરી પૂરી થઇ તે એક મોટી સિદ્ધી છે.
વૈષ્ણવે આ બાબતની જાણકારી ટ્વિટ કરીને આપી હતી અને સાથે પૂરી થયેલી ટનલની કામગિરી દર્શાવતો વીડિયો પણ શેર કર્યો હતો. એડીટ (એડિશનલી ડ્રિવન ઇન્ટરમિડિયરી ટનલ) તરીકે ઓળખાતી આ ટનલ બાંધવાનું કામ ફક્ત છ મહિનાના સમયગાળામાં પૂરું કરવામાં આવ્યું હતું. આ ટનલની લંબાઇ 394 મીટર છે. 21 કિલોમીટરની મુખ્ય ટનલના બાંધકામમાં આ ટનલ મદદરૂપ થશે. 21 કિલોમીટરમાંથી સાત કિલોમીટરની ટનલ પણ અંડર સી એટલે કે સમુદ્રની અંદર બનાવવામાં આવશે. જ્યારે આખા પ્રોજેક્ટની કુલ લંબાઇ 508.18 કિલોમીટરની હશે.
મુંબઈ-અમદાવાદ સ્ટેશન દરમિયાન આ રૂટ પર બાર સ્ટેશન બનાવવામાં આવશે. આ રૂટની શરૂઆત મુંબઈના કમર્શિયલ હબ ગણાતા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ(બીકેસી)થી કરવામાં આવે એવી શક્યતા છે. આ સિવાય પછીથી આ પ્રોજેક્ટને નવા બની રહેલા મેટ્રો પ્રોજેક્ટ સાથે જોડવાની પણ યોજના હોવાનું કહેવાય છે. આ પ્રોજેક્ટ 2026માં સંપૂર્ણપણે પૂરો થશે તેવો અંદાજ છે અને તેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રવાસનો સમય ખૂબ ઓછો થઇ જશે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ 1,08,000 કરોડ રૂપિયા છે.