તરણેતર મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શન: મુળૂભાઈ થયા અચંભિત

તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્રારા વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનની રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ મંત્રી મુળુભાઇ બેરા તેમજ કૃષિ, પશુપાલન અને મત્સ્યોધ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે મુલાકાત લીધી હતી. પ્રદર્શનમાં રાખવામાં આવેલી વિવિધ યોજનાઓની જાણકારી, સેલ્ફી બુથ, સ્ટેચ્યુ ઑફ યુનિટીનું આબેહૂબ અનુભવ કરાવતા વર્ચ્યુઅલ રિયાલિટી, મનકી બાતની ઓડિયો શ્રેણી તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની જાણકારી આપતા પ્રચાર સાહિત્યની મંત્રીઓએ પ્રશંસા પણ કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે પ્રદર્શનની મુલાકાતે આવતા લોકોને અહીંથી અનેક યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી મળી શકે છે. છેવાડાના માનવી સુધી આ પ્રકારે માહિતી અને માર્ગદર્શન સરકાર પહોંચાડી રહી છે તે ઘણા આનંદની વાત છે.
મંત્રીની સાથે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક \ જગદીશભાઈ મકવાણા, સુરેન્દ્રનગર સાંસદ \ ચંદુભાઈ શિહોરા, લીમડી ધારાસભ્ય \ કિરીટસિંહ રાણા,ચોટીલાના ધારાસભ્યશામજીભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલ તેમજ જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ એ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે તા.6થી શરૂ થયેલા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં જાહેર જનતાને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મેળાનાં મુલાકાતીઓ આ પ્રદર્શનની મુલાકાત લઈ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓ અંગે માહિતગાર થઈ રહ્યા છે.તેમજ પ્રદર્શનમાં પ્રસ્તુત થતા વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો થકી જાગ્રુત થઈ રાષ્ટ્રીય અભિયાનોમાં જોડાઈ રહ્યાં છે.