MS યુનિવર્સિટીના VCની નીમણુંક અંગે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટીસ પાઠવી
અમદાવાદ: વડોદરાની જાણીતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી(MSU)ના વાઈસ ચાન્સેલરની નિમણુક અંગેનો વિવાદ હાઈકોર્ટે સુધી પહોંચ્યો છે. પ્રોફેસર વિજય શ્રીવાસ્તવની વાઈસ ચાન્સેલર તરીકે નિમણૂકને પડકારતી અરજીના જવાબમાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે રાજ્ય સરકાર અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનને નોટિસ પાઠવી હતી.
MSUના એક ફેકલ્ટી મેમ્બર દ્વારા ક્વો વોરન્ટો પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે નિમણૂક પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરવામાં આવી ન હતી, ઉપરાંત શ્રીવાસ્તવ કથિત રીતે આ પદ માટે લાયક ન હતા કારણ કે તેમની પાસે ફરજિયાત 10-વર્ષનો અનુભવ ન હતો.
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં સર્ચ કમિટીની રચના અને કામગીરી UGC દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર થઇ નથી, જો કે એવો દાવો કરવામાં આવ્યો હતો કે સર્ચ કમિટી MSU બાય-લોનું પાલન કરે છે.
અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે વિજય શ્રીવાસ્તવની ફેબ્રુઆરી 2022 માં MSUના VC તરીકે નિમણૂક કરવામાં આવી હતી, અને માર્ચ 2022 માંસુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે UGC નિયમો અને શિક્ષણ સંસ્થાનનું નિયમન કરતા સ્થાનિક કાયદાઓ વચ્ચેના સંઘર્ષના કિસ્સામાં UGC નિયમોને પ્રાથમિકતા આપવી જોઈએ.
હાઈકોર્ટના ન્યાયાધીશ નિખિલ કરીયેલે નોટિસ જાહેર કરીને સ્પષ્ટતા માંગી છે કે આ કેસમાં SCના આદેશને પૂર્વવર્તી અસરથી લાગુ કરી શકાય છે કે નહિ?
વધુ સુનાવણી 29 જાન્યુઆરીના રોજ નીયત કરવામાં આવી છે.