કડકડતી ઠંડીએ Mount Abu ને થિજવ્યું: વાહનો પર બરફ જામ્યો!

માઉન્ટ આબુ: માગશર મહિનાની કડકડતી ઠંડીએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. સમગ્ર ગુજરાત અને રાજસ્થાનમાં હાડ થીજાવતી ઠંડી જોવા મળી રહી છે. ગુજરાતની સરહદને અડીને આવેલા માઉન્ટ આબુમાં સતત ચોથા દિવસે પણ તાપમાન માઇનસ ચાર ડિગ્રી નોંધાયું છે. જેના કારણે આબુમાં બરફ જામી ગયાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કાર અને ટૂ-વ્હીલર પર અને રેસ્ટોરાંમાં રાખવામાં આવેલાં ટેબલો પર બરફ જામી ગયો છે.
આ પણ વાંચો : હાઈ-વે હોય કે એરપોર્ટ કે પછી રેલવેઃ સરકારે કેટલું કર્યું રોકાણ, જાણો સરકારી આંકડા?
શીત લહેરની અસર
ગુજરાત સહિત રાજસ્થાનમાં શીત લહેરની અસર જોવા મળી રહી છે. ગુજરાતીઓનું પ્રવાસન માટેનું આકર્ષણનું કેન્દ્ર માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ થઈ જતાં બરફની ચાદર પથરાઈ ગઈ છે. સતત ચાર દિવસથી શીત લહેરનાં કારણે માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે. માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામી ગયો છે.
પ્રવાસીઓ ઉમટ્યા
ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડા પવનોના કારણે માઉન્ટ આબુમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસોથી તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જ્યારે આજે માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન માઇનસ ચાર ડિગ્રી જેટલું નોંધાયું છે. તાપમાનનો પારો ગગડતાં માઉન્ટ આબુ પર ઘરો-હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને ટૂ-વ્હીલર પર તેમજ હોટલોના ટેબલો પર બરફ જામી ગયો છે. જો કે આ કડકડતી ઠંડીની મજા સહેલાણીઓ માણી રહ્યા છે અને હજુ પણ પ્રવાસીઓ ઊમટી રહ્યા છે.
આ પણ વાંચો : પ્રયાગરાજમાં પીએમ મોદીએ મહાકુંભ માટે કરી પૂજા, જુઓ તસવીરો
હવામાન વિભાગે કરી ઠંડીની આગાહી
એકતરફ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ઠંડીનો પારો ગગડશે. તેમજ રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. પવનની ગતિ 5 થી 10 કિલોમીટર આસપાસ રહે તેવી સંભાવના છે. ગુજરાતમાં બે દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે રાજકોટમાં કોલ્ડ વેવનું યેલો એલર્ટ જાહેર કર્યું છે.