રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-પુત્રનાં મોત, નિર્દોશોને હડફેટ લેનાર કારચાલકની ધરપકડ
રાજકોટ: રાજ્યમાં માર્ગ અકસ્માતો ચિંતાજનક રીતે વધી રહ્યા છે, બેફામ ડ્રાઈવિંગ કરી નિર્દોશ લોકોને હડફેટ લેતા તત્વો સામે પોલીસ તંત્ર પણ લાચાર હોય તેવું જણાઈ રહ્યું છે. રાજકોટ કાલાવડ હાઇવે પર આવેલી મેટોડા ઔદ્યોગિક વસાહત પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી. બે બાળક સાથે પગપાળા જઈ રહેલી મહિલાને પૂરપાટ ઝડપે આવી રહેલા હ્યુન્ડાઇની વર્ના કારચાલકે અડફેટે લેતાં ત્રણેયને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યા ટૂંકી સારવાર દરમિયાન બે વર્ષના પુત્ર અને માતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ઇજા પહોંચતાં પરપ્રાંતીય પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જોવાની વાત તો એ છે કે અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.રાજકોટ કાલાવડ હાઇવે પર મેટોડાના મણિદ્વીપ મંદિરની સામે રોડ ક્રોસ કરતી વેળાએ શીલુદેવી ચંદનકુમાર શાહ (ઉં.વ.21), અંકુશ ચંદનકુમાર શાહ (ઉં.વ.2) અને રાજા કૈલાસભાઈ પાસવાન (ઉં.વ.13) સહિત કુલ ત્રણ વ્યક્તિને પૂરપાટ ઝડપે આવતી કારના ચાલકે અડફેટે લીધાં હતાં.
આ પણ વાંચો : મહીસાગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
હિટ એન્ડ રનનો બનાવ બનતાંની સાથે જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં અને ત્રણેય લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.અકસ્માતથી ગંભીર ઈજા થતાં ત્રણેયને પ્રથમ સારવાર માટે મેટોડાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની હાલત વધુ નાજુક હોઈ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં, પરંતુ અહીં ફરજ પરના તબીબોએ શીલુદેવી તેમજ તેમના પુત્ર અંકુશને મૃત જાહેર કર્યા હતા.
ગમખ્વાર અકસ્માતની ઘટના અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફે હોસ્પિટલ આવી જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. અકસ્માત સર્જી નાસી છૂટનાર કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.
આ બનાવમાં પોલીસે તપાસ કરી માતા-પુત્રને કચડી મારનાર કારના ચાલક ખિરસરાના ચિરાગ ભીખાભાઈ વાગડીયાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. પોલીસે ચિરાગનું મેડીકલ પણ કરાવ્યું છે તે નશો કરેલી હાલતમાં પુરપાટ ઝડપે કાર ચલાવતો હતો કે કેમ ? તે જાણવા માટે પોલીસે તેનું મેડીકલ કરાવ્યું હતું. આ બનાવમાં ચિરાગ ભીખા વાગડીયાની વધુ પુછપરછ શરૂ કરાઈ છે.