માતા બની કુમાતા! જામનગરના ધુતારપર ગામમાં જનેતાએ ત્રણ માસુમો સાથે કૂવો પૂર્યો

જ્યારે માતા જ કુમાતા બનીને પોતાના વ્હાલ સોયા સંતાનોનું કાસળ કાઢી નાખે ત્યારે ફરિયાદ કોને કરવી? જામનગરના ધુતારપર ગામમાં ખેતમજૂરી કરતી એક મહિલાએ તેના ત્રણ સંતાનોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી દેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. જામનગર ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ત્રણેય માસૂમ સાથે માતાનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ જામનગરના ધુતારપર ગામમાં રહેતા દિનેશ કોટડીયાની વાડીમાં મધ્યપ્રદેશના ખેતમજૂરનો પરિવાર રહેતો અને ખેતમજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. માતા સંગીતાબેને આજે તેમની પાંચ વર્ષીય પુત્રી મમતા, 3 વર્ષીય પુત્રી અંજલી અને 9 માસનો પુત્ર શોધનને કૂવામાં નાખ્યા બાદ પોતે પણ કૂવામાં ઝંપલાવી દીધું હતું. ઘટના અંગે ગામના સરપંચને જાણ કરાયા બાદ ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી એક બાદ એક ચારેયના મૃતદેહોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હજુ સુધી સામુહિક આપઘાત કરવા પાછળનું કારણ જાણવા નથી મળ્યું. હાલ તો પોલીસે નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમગ્ર મામલે પીએસઆઈ અરવિંદ પટેલે જણાવ્યું હતું કે, જામનગર તાલુકાના ધુતારપર ગામે મૂળ મધ્યપ્રદેશની મહિલા ખેતમજૂરે પોતાના ત્રણ બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે. હાલ ચારેયના મૃતદેહોને બહાર કાઢી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.