અંબાલાલ સાચા પડ્યાઃ સવારે ઝાકળવર્ષા પણ તાપમાનનો પારો ઊંચે
![How did Ambalal Patel predict Gujarat's weather?](/wp-content/uploads/2024/05/90a916995332c7413320c1bb94ad962d169511984596176_original-780x470.webp)
ભુજઃ કચ્છના નલિયામાં સવારે ઝાકળવર્ષાથી વાતાવરણ ધૂંધળું હતું, પરંતુ દિવસ શરૂ થતાં જ પારો 15 ડિગ્રી થયો હતો. સમગ્ર ગુજરાતમાં હવે લગભગ ઉનાળાનું આગમન થઈ ચૂક્યું હોય તેમ જણાઈ રહ્યું છે અને અમદાવાદવાસીઓ સહિત સમગ્ર ગુજરાતે ધોમધખતો તાપ સહન કરવાનો વારો આવ્યો છે. દક્ષિણ-પશ્ચિમ પર્શિયન ગલ્ફના દરિયામાં કેન્દ્રિત થયેલી મોસમી ગડબડીના પગલે પવનોની ગતિ મંદ પડતાં અને ભેજનું પ્રમાણ એકાએક ૯૦ ટકાથી ઉપર ચાલ્યું જતાં રણપ્રદેશ કચ્છમાં પડી રહેલી ભારે ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
અગાઉ પાંચ ડિગ્રી સાથે બરફગોળો બની જનારા શીતમથક નલિયામાં આજે લઘુતમ ૧૫ ડિગ્રી સે, જયારે મહત્તમ તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેતાં વહેલી સવારે ઝાકળવર્ષા વચ્ચે અનુભવહેલા ઠંડીના ચમકારા બાદ દિવસ ચઢતાની સાથે ઠંડી જાણે ગાયબ બની ગઈ હતી અને નલિયાના સૂના પડેલા માર્ગો લોકોની ચહલપહલથી ફરી જીવંત બન્યા હતા.નલિયા ઉપરાંત જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે ૮૬ ટકા ભેજના પ્રમાણ સાથે લઘુતમ ૧૮ જયારે મહત્તમ ૩૨ ડિગ્રી તાપમાન રહેતાં શહેરીજનોએ હાશકારો મેળવ્યો હતો અને લાંબા સમય બાદ બંધ રહેલા પંખા ધીમી સ્પીડમાં ફરતા થયા હતા.
Also read: ગુજરાત થશે ટાઢુંબોળઃ અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જોઈ લો Video…
સ્થાપના દિનની ઉજવણી કરી રહેલા ગાંધીધામ સંકુલમાં પણ લઘુત્તમ તાપમાનનો પારો ચારથી છ ડીગ્રી જેટલો ઊંચકાતાં ઠંડીનો ચમકારો હળવો થયો છે. કંડલા મહાબંદર ખાતે પારો ત્રણ ડીગ્રી ઊંચે ચઢી ૧૭ ડીગ્રી અને કંડલા હવાઈ મથક -ગળપાદર ખાતે પારો ઊંચકાઈને ૧૮ ડીગ્રી સેલ્સિયસ પર ઉપર ચઢ્યો છે જયારે સીમાવર્તી લખપતમાં વહેલી સવારે ભારે ઝાકળવર્ષા થતાં અહીં હિલ સ્ટેશન જેવો માહોલ ખડો થયો હતો અને વાહન ચાલકોને હેડલાઇટ તેમજ હેઝાર્ડ લાઇટને ચાલુ રાખવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,સલ્તનત ઓફ ઓમાનમાં કેટલાક સ્થળોએ પડેલા વરસાદ અને ઓમાનમાં ફૂંકાઈ રહેલા ઉત્તર-પશ્ચિમ અને ઉત્તરપૂર્વીય મોસમી પવનો, સોનમર્ગ સહિતના પહાડી વિસ્તારોમાં થઇ રહેલી બરફવર્ષાને પગલે ઉત્તર ભારત તરફથી આવતા બર્ફીલા પવનો સાથે ભળી જતાં કચ્છમાં આગામી સપ્તાહ બાદ ફરી માહોલ થોડો ઠંડો બને તેવી શક્યતા છે, પરંતુ હાલમાં તો સખત ગરમીની શરૂઆત થઈ ગઈ છે.
હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે મુંબઈ સમાચાર સાથે વાત કરતા જણાવ્યું હતું કે 10મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં ગરમીનું જોર વધશે. અમદાવાદમાં હાલમાં બપોરે તાપમાન 25થી 28 ડિગ્રી આસપાસ રહે છે. સવારે 9 વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ગરમીનો માહોલ રહે છે. લગભગ પંદર દિવસ બાદ અમદાવાદ સહિત ગુજરાતમાં અકળાવનારો ઉનાળો શરૂ થાય તેવું હવામાન વિભાગનું માનવાનું છે.