ગિરનારની પરિક્રમામાં બે લાખ કરતાં વધુ યાત્રાળુઓને પ્રવેશ: અનેકની તબિયત લથડી
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ ૧૧ને ગુરુવારે મધરાતે ૧૨ વાગ્યે સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવે તે પૂર્વે ગિરિ તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડતા યાત્રિકોના ધસારાને જોતા વહેલી સવારે ૪.૧૫ કલાકે પ્રવેશ ગેટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી હતી. જેથી વિધિવત પ્રારંભ પૂર્વે પરિક્રમામાં બે લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ રૂટ ઉપર પ્રવેશ કરી લીધો હતો. જેમાં રાત સુધીમાં અઢી લાખ જેટલા યાત્રિકો રૂટ ઉપર હતા. જેમાંથી ૫૦ હજારથી વધુ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી દીધી હતી.
જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ છે. લાખો પરિક્રમાર્થીઓ રૂટ ઉપર નીકળી ગયા છે. ગુરુવારના દિવસ દરમિયાન અનેક ભાવિકોને ઝાડા-ઉલટી, છાતીમાં દુખાવો અને શ્ર્વાસ ચડવાની તકલીફો થયાની ફરિયાદ મળતા અનેક લોકોને ઓન ધ સ્પોટ સારવાર અપાઇ હતી. બીજી બાજુ છ વર્ષની બાળકી સહિત પાંચ વ્યક્તિને વધુ સારવાર માટે સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ગિરનારની લીલી પરિક્રમાના ૩૬ કિલોમિટરના રૂટ પર નાના-મોટા મળી કુલ ૧૦૦ જેટલાં અન્નક્ષેત્રો ધમધમી રહ્યાં છે. ઘણા પરિક્રમાર્થીઓ પોતાની જાતે જ પ્રકૃતિના ખોળે રસોઈ બનાવી ભોજનનો આનંદ માણી રહ્યા છે. અન્નક્ષેત્રોમાં ગાંઠીયા, જલેબી, ખમણ, પુરી સહિતની વિવિધ વાનગીઓ બનાવી યાત્રિકોને ભાવપૂર્વક ભોજન-પ્રસાદની સેવા પૂરી પાડી પુણ્યનું ભાથુ બાંધી રહ્યા છે.