આપણું ગુજરાત

રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં પાંચ લાખ કિલોથી વધુ શુદ્ધ ઘીનો અભિષેક કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં છેલ્લા ઘણાં દાયકાઓથી વરદાયિની માતાની પલ્લી પર લાખો કિલો ઘી ચડાવવામાં આવે છે. જે દરમિયાન સમગ્ર ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીની નોમના દિવસે વાજતે-ગાજતે વરદાયિની માતાજીની પલ્લી ભરાશે. જેમાં ચાલુ વર્ષે વરદાયિની માતાજીની પલ્લીમાં ૫ લાખ કિલોથી વધુ ઘીનો અભિષેક કરાશે. જેમાં માતાજીના દર્શન માટે લાખો માઈભક્તો ઊમટી પડશે.

ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં પલ્લીના મેળાને લઈને મંદિર ટ્રસ્ટ તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. સોમવારની મધરાત બાદ ગામના અલગ-અલગ ચોરાએથી પલ્લી પસાર થશે. પલ્લીના દર્શન માટે આવનારા ભક્તોને કોઈ અગવડ ના પડે તેમજ કાયદો અને સુરક્ષાની સ્થિતિ જળવાય તે માટે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. આટલું જ નહીં, પલ્લીના સમગ્ર રૂટનું સીસીટીવી સર્વેલન્સથી મોનિટરિંગ કરવામાં આવશે. આ વર્ષની પલ્લીમાં ૧૨ લાખથી વધુ માઈભક્તો દર્શન કરે તેવી શક્યતા છે. જેના પગલે ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રૂપાલ અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસની સાથે એસઆરપી જવાનોનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ભક્તોને અગવડ ના પડે, તે માટે રૂપાલની આસપાસ સાત હજાર જેટલાં વાહનો પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે વીજ પુરવઠો ના ખોરવાય તે માટે ૬૦થી વધુ કર્મચારીને ફરજ સોંપવામાં આવી છે. જો કે, આ વર્ષે વરદાયિની માતાજીની પલ્લી પર ૫ લાખ કિલો ઘીનો અભિષેક થઈ શકે છે. અગાઉ અંબાજીમાં ભેળસેળિયા ઘીથી પ્રસાદ બનતો હોવાની ઘટના સામે આવ્યા બાદ રૂપાલમાં પલ્લીના મેળામાં વાપરવામાં આવનાર ઘીની ચકાસણી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button