વીજ બચત સાથે સરકારની તિજોરીમાં આવકઃ ગુજરાતમાં 7,700થી વધુ ખેડૂતે કર્યો સોલાર પંપનો ઉપયોગ | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

વીજ બચત સાથે સરકારની તિજોરીમાં આવકઃ ગુજરાતમાં 7,700થી વધુ ખેડૂતે કર્યો સોલાર પંપનો ઉપયોગ

અમદાવાદ: ખેડૂતોને ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને તે માટે સૂર્ય ઉર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન અંતર્ગત “પી.એમ. કુસુમ યોજના” શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેનો લાભ લઈને ગુજરાતમાં ડિસેમ્બર 2024 સુધીમાં 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે.

7700થી વધુ ખેડૂતોએ સોલાર પંપ લગાવ્યા
પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. જેના પરિણામે રાજ્યમાં ડિસેમ્બર 2024 સુધીમાં 7700થી વધુ ખેડૂતોએ ઓફગ્રીડ સોલાર પંપ સ્થાપિત કર્યા છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને રૂપિયા 218 કરોડથી વધુની સબસિડી ચૂકવી છે, જેમાં અંદાજિત 70 ટકા સુધીની રકમની સહાય આપવામાં આવે છે.

ખેતરોમાં સિંચાઈ માટે પાણી અને વીજળીની નિયમિત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરાવવા અને સૂર્ય ઊર્જાનો ઉપયોગ થાય તે માટે વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા અને ઉત્થાન મહાઅભિયાન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈને અનેક ખેડૂતો પ્રદૂષણમુક્ત વીજળીનો ઉપયોગ કૃષિમાં કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ 2026 સુધીમાં 12382 સ્ટેન્ડઅલોન ઓફ ગ્રીડ સોલાર પંપ સ્થાપિત કરવા ગુજરાત રાજ્યને સેન્ક્શન આપવામાં આવ્યું છે.

ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો
જુનાગઢના ભેંસાણ તાલુકાના ખાખરા હડમતિયા ગામે રહેતા લાભાર્થી વિજયાબેન વી આસોદરિયા જણાવે છે કે આ પંપ લગાવ્યા બાદ દિવસ દરમિયાન આઠથી દસ કલાક સુધી અમે પંપ ચલાવીએ છીએ અને તેમાં કોઈ પણ જાતના વીજળીના સપ્લાયની જરૂર રહેતી નથી. આ પંપમાં પાંચ વર્ષ સુધી કોઈ નિભાવ ખર્ચ રહેતો નથી અને ખેતીમાં ઉપજ અને આવકમાં વધારો થયો છે. સાથે આ પંપ સૂર્ય ઊર્જાથી ચાલતો હોવાથી પ્રદૂષણ પણ થતું નથી.

Also read: હવે ટમેટા ખેડૂતોને રડાવે છેઃ મબલખ આવકને લીધે ભાવ તળિયે…

સૌથી વધારે લાભાર્થી નર્મદા જિલ્લામાં
આ યોજના અંતર્ગત નર્મદા જિલ્લામાં સૌથી વધારે 5100થી વધુ સોલાર પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે. સોલાર પંપની સંખ્યાની દૃષ્ટિએ ટોપ ટેન જિલ્લામાં નર્મદા બાદ વલસાડ 460થી વધુ, બનાસકાંઠા 450થી વધુ, ડાંગ 320થી વધુ, મહિસાગર 260થી વધુ, ગીર સોમનાથ 220થી વધુ, છોટાઉદેપુર 180થી વધુ, તાપી 160થી વધુ, કચ્છ 130થી વધુ અને નવસારી 100થી વધુનો સમાવેશ થાય છે.

Back to top button