આપણું ગુજરાત

ગુજરાતમાં ત્રણ વર્ષમાં ૬૨૦થી વધુ સિંહે ૫.૩૭ લાખ જાનવરનો શિકાર કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતના સાસણ ગીરમાં એશિયાટિક સિંહના વસવાટ ધરાવતા જંગલોમાં વધતી માનવીય દખલને કારણે ખોરાકની શોધમાં પોતાના ક્ષેત્રોમાંથી સિંહ બહાર નિકળી રહ્યા છે. રાજ્યના વન વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધકોની ટીમ દ્વારા કરાયેલા અભ્યાસના અહેવાલમાં સિંહની પ્રજાતિ હવે સંરક્ષિત ગીર અભયારણ્યની બહાર ૫૧ ટકા જંગલી જાનવરો અને ૪૨ ટકા ઘરેલુ પશુધનનો શિકાર કરીને પેટ ભરી રહ્યાની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. બીજી બાજુ ભારત સરકારે જાહેર કરેલા અહેવાલમાં ત્રણ વર્ષમાં ૬૨૦થી વધુ સિંહે પોતાનું પેટ ભરવા ૫.૩૭ લાખ ઉપરાંત શાકાહારી જાનવરોનો શિકાર કર્યાનું સ્વીકાર્યુ છે.

મળતી માહિતી મુજબ સિંહના ખોરાક-સ્વાદમાં આવેલા બદલાવ પાછળ જંગલમાં માણસજાતની પેશકદમી ઉપરાંત સાસણ ગીરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદે થતા લાયન-શૉ પણ જવાબદાર છે. ભારત સરકારના પર્યવારણ, વન અને જળવાયું પરિવર્તન મંત્રાલયે ગુજરાત સરકારના વન વિભાગે સિંહના ખોરાક, શિકાર માટે અંદાજિત શાકાહારી જાનવરોનો આંકડો જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૮માં ૧,૪૯,૩૬૫ શાકાહારી જાનવરોનો સિંહ દ્વારા શિકાર થયો હતો. પછીના વર્ષે ૧,૯૬,૧૦૯ અને છેલ્લે વર્ષ ૨૦૨૨માં ૨,૨૦,૪૦૬ શાકાહારી જાનવરોનો શિકાર થયો છે.

સંશોધન ટીમે પોતાના અભ્યાસમાં કહ્યું છે કે, સિંહો સંરક્ષિત વિસ્તારની અંદર ૭૪ ટકા જંગલી પ્રજાતિઓનો શિકાર કરીને ખોરાક મેળવે છે જ્યારે ૨૬ ટકા સ્થાનિક (નેસડામાં રહેતા) પશુધનનો શિકાર કરે છે, જ્યારે સંરક્ષિત અર્થાત્ અભયારણ્યની બહારના વિસ્તારોમાં ૫૧ ટકા જંગલી પશુઓનો શિકાર થાય છે અને ૪૨ ટકા ઘરેલુ પશુધનનો શિકાર કરીને ખોરાક મેળવે છે. સિંહની વર્ષ ૨૦૨૦ની છેલ્લી વસ્તી ગણતરીના પુન અવલોકન મુજબ ગુજરાતમાં સિંહની સંખ્યા ૬૭૪ થઈ છે, જેમાં માદા સિંહની સંખ્યા ૩૦૯ અને ૨૦૬ નર સિંહની સંખ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button