ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈઃ 12 જિલ્લામાં 50 ટકાથી વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ વરસાદનું જોર ઘટ્યું છે. આ દરમિયાન એક રિપોર્ટ સામે આવ્યો હતો. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વરસાદમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષના આંકડા દર્શાવે છે કે 33 જિલ્લાઓમાંથી 12 જિલ્લાઓમાં 2014 થી 2023 દરમિયાન નોંધાયેલા વરસાદની સરખામણીમાં મોસમી વરસાદમાં 50 ટકાથી વધુનો વધારો નોંધાયો છે.
દેવભૂમિ દ્વારકામાં દાયકામાં સરેરાશ 885 મિમી વરસાદથી બમણો એટલે કે 2079 મિમી વરસાદ નોંધાયો હતો. જે 135 ટકાનો વધારો દર્શાવે છે. તેવી જ રીતે, પોરબંદરમાં 97 ટકા, વડોદરામાં 67 ટકા, ભરૂચમાં 66 ટકા અને તાપીમાં 65 ટકાનો વધારો થયો છે. સાબરકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે જ્યાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, વરસાદની પેટર્ન બદલાવાની અસર કૃષિથી લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુધીના ક્ષેત્રો પર પડે છે. કેટલાક પ્રદેશો વર્ષ-દર-વર્ષે વધુ પૂરગ્રસ્ત બની રહ્યા છે, જ્યારે અમુક જગ્યાએ અનિયમિત વરસાદના કારણે પાક પર પણ અસર થઈ છે. હવામાન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. ગયા વર્ષે પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. જોકે, તેને સતત વલણ કહેવું વહેલું ગણાશે, પરંતુ ગુજરાતના વિવિધ તાલુકામાં સરેરાશ વાર્ષિક વરસાદ ચોક્કસપણે વધ્યો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર 1985 થી 2014 દરમિયાન ગુજરાત માટે સરેરાશ વાર્ષિક વરસાદ 797 મિમી હતો, જે 1995 થી 2024 દરમિયાન 882 મિમી થયો હતો. સૌથી વધુ વધારો કચ્છમાં 25 ટકા નોંધાયો હતો, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં 16 ટકા, દક્ષિણ ગુજરાતમાં 10 ટકા, ઉત્તર ગુજરાતમાં 7 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 3 ટકા વધારો થયો છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાતા પાકને સૌથી વધુ અસર થઈ છે. પાંચ વર્ષ પહેલાં, દક્ષિણ ગુજરાતમાં શેરડીનું કુલ ઉત્પાદન લગભગ 1 કરોડ ટન હતું, અને તે હવે ઘટીને 85 લાખ ટન થઈ ગયું છે. આ પાછળ કેટલાક અન્ય પરિબળો પણ છે, પરંતુ ભારે વરસાદ મુખ્ય કારણોમાંનું એક છે.