મોરબીમાં યુવક પાસેથી લાખોની રોકડ, મોબાઈલ-બુલેટ પડાવી લેનાર ત્રણ ઝડપાયા

મોરબીઃ મોરબીમાં વેપારી યુવાનને ડરાવી ધમકાવી ૫.૪૬ લાખની રોકડ અને આઈફોન તેમ જ બુલેટ અને આઈફોન સહિત કુલ રૂ ૮.૫૬ લાખની મત્તા પડાવી લેવાના કિસ્સામાં પોલીસ પ્રશાસન દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ બનાવ મામલે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લઈને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મોરબીના દલવાડી સર્કલ પાસે રહેતા દેવકુમાર ચેતનભાઈ સોરીયાએ ૨૯મી ઓક્ટોબરના સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિશાલ વેલાભાઇ રબારી (રહે-શકત શનાળા ગામવાળા) સાથે કોઈ પણ જાતની રૂપિયાની લેતી દેતી થયેલ નહોતી. આમ છતાં દેવકુમાર પાસેથી અલગ અલગ સમયે સમયે કટકે કટકે કુલ રૂપિયા ૫,૪૬,૦૦૦ તેમ જ દેવકુમારનો આઈફોન ૧૫ પ્રો-મોબાઈલ ફોન (કીમત રૂ. ૬૦,૦૦૦ વાળો) તથા દેવકુમારનું કલાસિક ૩૫૦ બુલેટ કાળા તથા લાલ કલરનું રૂ. ૨,૫૦,૦૦૦ બળજબરીપૂર્વક પડાવી લીધા હતા.
આ પણ વાંચો : મોરબીને નવું વર્ષ ફળ્યું: સિરામિક ઉદ્યોગમાં તેજીનો સંચાર, આ ટાઈલ્સની ડીમાંડ વધી
આ ઉપરાંત, કારમાં બેસાડી વીરપર અને મીતાણા સહિતના સ્થળે લઇ જઈને માર મારી ધમકી આપી હતી, જે બનાવ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી. આરોપીઓ વિશાલ રબારી, સઈદ અકરમ કાદરી અને સિદ્ધરાજસિંહ જાડેજા રહે મોરબીવાળાને ઝડપી લીધા હતા, જે આરોપીઓ પાસેથી રોકડ રૂ ૪.૮૬ લાખ, આઈફોન અને બુલેટ કબજે લઈને ત્રણેય આરોપીને જેલહવાલે કરવામાં આવ્યા છે.
ફરિયાદી દેવ સોરીયા અને આરોપી વિશાલ રબારી બંને મિત્ર હોવાથી પરિચિત હતા અગાઉ વિશાલ રબારીએ ઝઘડો કરી દેવને માર માર્યો હતો અને દેવ ડરી ગયો હતો, જેથી ડરતો હોવાનો લાભ ઉઠાવી રોકડ અને બુલેટ તેમજ આઈફોન પડાવ્યા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.