મોરબીમાં રસ્તાના અધૂરા કામને પૂરું કરવા સ્થાનિકોએ કર્યું ‘ચક્કાજામ’: ‘કમિશન’નો આરોપ,
15 દિવસમાં રોડ બનાવવાની શરુઆત કરવાની લેખિત બાહેંધરી મળતા મામલો થાળે પડ્યો
મોરબી: મોરબીના પંચાસર રોડ પરની શ્યામ સોસાયટીમાં મંજૂર કરવામાં આવેલા રોડના કામકાજ મંજૂર કરવામાં આવ્યા બાદ અડધું કામ પૂર્ણ કરી બાદમાં તેને એમ જ પડતું મૂકી દેવામાં આવતા રોષે ભરાયેલ સ્થાનિક મહિલાઓએ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. છેલ્લા 9 મહિનાથી રોડનું કામકાજ બંધ હાલતમાં હોવાથી લોકોને પડી રહેલી હાલાકીને પગલે અંતે ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માગ કરી હતી. અંતે એજન્સીએ બિલ મંજૂર થયાના 15 દિવસમાં રોડ બનાવવાની શરૂઆત કરવાની લેખિત બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો છે.
આ પણ વાંચો : Morbi માં તાંત્રિક વિધિના નામે છેતરપિંડી, આરોપી પાસેથી 4.66 લાખનો મુદામાલ જપ્ત
9 મહિનાથી રોડનું કામ બંધ
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 અન શ્યામ-2 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે રોષે ભરાયેલ સ્થાનિકોએ આજે રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીના રહીશોએ રોડ ચક્કાજામ કરીને રોડનું કામ પૂરું કરવા માટે માગ કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર લગભગ મંજૂર કરવામાં આવેલા રોડનાં કામને અધૂરું પૂર્ણ કરીને લગભગ છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ કરી દેવામાં આવ્યું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે.
સ્થાનિકો રોડ પર જ જમ્યા
જો કે 9 મહિના જેટલા લાંબા સમયથી બંધ પડેલા રોડનાં કામને લઈને રોષે ભરાયેલા લોકોએ આજે સવારે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. સવારે ચાલુ થયેલ ચક્કાજામ પાંચ કલાક સુધી યથાવત રાખવામાં આવ્યો હતો. લોકોએ રોડ પર જ જમીને ચક્કાજામ ચાલુ રાખ્યો હતો. વધુમાં જ્યાં સુધી ચીફ ઓફિસર લેખિતમાં બાહેંધરી નહિ આપે ત્યાં સુધી ચક્કાજામ ચાલુ રાખવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.
કમિશન નહીં મળતા અટક્યું બિલ
આ અંગે ભાજપના પૂર્વ કાઉન્સિલર શૈલેષ માકાસણાએ જણાવ્યું કે આ રોડનું ટેન્ડર એક એજન્સીને મળ્યું હતું. પણ એજન્સીએ ટેન્ડર પરત ખેંચી લીધું હતું. ત્યારે ધારાસભ્યએ કહ્યું કે તમે લોકો રૂપિયા ઉઘરાવીને રોડ બનાવી લ્યો પછી રૂપિયા પાલિકા રૂપિયા આપી દેશે. પૂર્વ કાઉન્સિલરે વધુમાં ઉમેર્યું કે મે આમાં મારા રૂ.20 લાખ રોક્યા છે. પાલિકા બિલ પાસ કરતી નથી. આમાં રોડનું કામ આગળ કેમ વધારવું ?તેઓએ એવા પણ આક્ષેપ કર્યા કે કમિશન આપ્યું નહિ એટલે બિલ અટકાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Morbi ના મહેન્દ્રનગર ઓવરબ્રીજની ડિઝાઇનમાં ફેરફાર કરી કામ ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત
એજન્સીએ આપી લેખિત બાહેંધરી
પંચાસર રોડ પર અટકી પડેલા કામને બનાવનાર એજન્સીએ બિલ મંજુર થયાના 15 દિવસમાં રોડ બનાવવાની શરૂઆત કરવાની લેખિત બાહેંધરી આપતા અંતે મામલો થાળે પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામ દરમિયાન રોડ પર જ પુરુષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ જમણવાર કર્યો હતો. વધુમાં તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો બાહેંધરીના દિવસો મુજબ કામ શરૂ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.