ઘર કા ભેદી લંકા ઢાયેઃ જેની પાસે પૈસા સાચવવાની જવાબદારી હતી તેણે જ તિજોરી પર હાથ માર્યો…

મોરબીઃ શહેરમાં આવેલ માઈક્રો ફાયનાન્સ કંપનીની ઓફીસના શટરના તાળા ખોલી અજાણ્યા ઇસમેં ઓફિસમાં રહેલ તિજોરીમાંથી ૭ લાખથી વધુની રોકડ રકમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોધાયા બાદ એલસીબી ટીમે તપાસ દરમિયાન ચાર ઇસમોને રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Cash For Vote મામલે ઈડીએ અમદાવાદ એરપોર્ટ પરથી એક યુવકને ઝડપ્યો, દુબઈ ભાગવાની તૈયારીમાં હતો
નાની વાવડીના રહેવાસી જીતેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.૩૬) વાળાએ અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તેઓ એક માઈક્રો ફાયનાન્સ પ્રા. લી. કંપનીમાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવે છે. ઓફિસની તમામ ચાવીઓ જીતેન્દ્રસિંહ પાસે હોય છે અને તેમણે ચોરી થયેલી રકમ જમા કરાવી ઑફિસમાં જ રાખી હતી.
બીજે દિવસે સવાર ઓફિસના શટરનું તાળું તોડેલું જોતા તેમણે તમામ કર્મચારીઓને બોલાવ્યા હતા અને ત્યાર બાદ ચેક કરતા ધ્યાનમાં આવ્યું હતું કે તિજોરીમાં આગલી સાંજે મુકેલા રોકડા રૂ ૭,૦૧,૫૦૦ ન હતા. ઓફીસના સીસીટીવી કેમેરા ચેક કરતા તા. ૧૫ ના રોજ રાત્રીના ૧૦ : ૩૦ કલાકે એક વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી માથે ટોપી પહેરી ઓફિસમાં પ્રવેશ કરી રોકડ લઇ જતી જોવા મળી હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.
પોલીસે તપાસ ચલાવતા એક પછી એક ચાર ઈસમોના નામ ખૂલ્યા હતા. પોલીસે આપેલી જાણકારી અનુસાર મયુરભાઈ ઈશ્વરભાઈ કોટવાલ અને વરૂણભાઈ મનસુખભાઈ ડોડીયા રહે-દરબાર ગઢ નાગનાથ, જયભાઈ ઉર્ફે શની પ્રવીણભાઈ સોલંકી રહે મહેન્દ્રનગર તો અભિષેકભાઈ કિશોરભાઈ દેવમુરારીના નામ ખૂલ્યા હતા ને તેમની પાસેથી રોકડ રકમ રૂ.૭,૦૧,૫૦૦, મોબાઈલ ફોન નંગ ૪ કીમત રૂ.૬૦,૦૦૦, હોન્ડા સાઈન કીમત રૂ.૪૦,૦૦૦, સહિતના મુદ્દામાલ સાથે રૂ.૮,૦૧,૫૦૦ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : શંકરસિંહ વાઘેલા ફરી આવશે મેદાનમાં, આ તારીખે નવી પાર્ટીની કરશે રચના…
તો આરોપી જય સોલંકી અને અભિષેક દેવમુરારી બંને લાઈટ માઈક્રો ફાઈનાન્સ પેઢીમાં નોકરી કરતા હતા અને ઓફિસમાં રાખવામાં આવતી રોકડ રકમની માહિતી તથા ડુપ્લીકેટ ચાવીઓ બનાવી આરોપી મયુર કોટવાલ અને વરુણ ડોડીયા એ મોડી રાત્રીના ઓફીસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો.