500 રૂપિયાની લાંચની સજા 5 વર્ષની જેલ: કોન્સ્ટેબલે 2014માં માંગી હતી…

મોરબી: કહેવાય છે કે તમારું કરેલું ખોટું કામ તમારો સાથ નથી છોડતું. આવો જ એક કિસ્સો મોરબીથી સામે આવ્યો છે. અહી માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી. જેના કેસમાં કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને 5,000 નો દંડ ફટકાર્યો છે.
આ પણ વાંચો : બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો
પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીએ પાસપોર્ટ વેરીફીકેશન માટે અરજદાર પાસેથી 500 રૂપિયાની લાંચ માંગી હતી. જેથી કરીને એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતી અને આરોપીને પકડી લીધો હતો. જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં આરોપીને પાંચ વર્ષની સજા કોર્ટે ફટકારી છે.
હકીકતે આ સમગ્ર મામલો 17 માર્ચ 2014નો છે. જેમાં ફરિયાદી મનોજભાઈ નિરંજનભાઈ હેડાઉના ભાભી પૂજાને તેના પતિ પાસે નૈરોબી જવાનું હતું. આ માટે તેમણે પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી. જેના માટે પોલીસ વેરિફિકેશન પણ કરવામાં આવે છે. પુજાબેનને 17 માર્ચ 2014ના રોજ માળિયા પોલીસ સ્ટેશનમાંથી વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે કોન્સ્ટેબલ અમરત મકવાણાએ તેની સહી કરાવી અને બાદમાં તેને 500 રૂપિયાની લાંચ માંગી હતી. જ્યારે પૂજાબેને પૂછ્યું કે તેણે પાસપોર્ટ મેળવવાની તમામ ફી ચૂકવી દીધી છે, તો હવે તે પૈસા કેમ ચૂકવે. ત્યારે તેમણે કહ્યું હતું કે પાસપોર્ટ ઇન્ક્વાયરીને લગતી કામગીરી માટે વ્યવહાર પેટે 500 આપવા પડશે નહીતર પાસપોર્ટ બનશે નહિ.
આ પણ વાંચો : રંગીલુ Rajkot બન્યુ લોહિયાળઃ પાંચ વર્ષમાં આટલા જણાના મોત?
પૂજાબેનના દિયર મનોજભાઇએ આ બાબતની જાણ એન્ટી કરપ્શન બ્યુરોને કરી હતી અને આથી ACBએ છટકું ગોઠવ્યું અને લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલને રંગે હાથે પકડી પાડ્યો હતો. આ કેસ અંગે સરકારી વકીલે કોર્ટમાં 7 મૌખિક અને 35 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જે બાદ કોર્ટે મકવાણાને દોષિત ઠેરવ્યા હતા અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 5 વર્ષની કેદ અને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.