વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ મોરબી’: ભારતના સિરામિક હબ વિશે આ જાણો છો ?
ગુજરાતના એવા ઘણા જિલ્લા છે જે ખાસ કોઈ વેપાર-ઉદ્યોગ માટે જાણીતા છે. તેમાનો મોરબી જિલ્લો વર્ષોથી લાદી-ટાઈલ્સ અને ઘડિયાળ માટે તો જાણીતો છે, પરંતુ અહીંનો સિરામિક ઉદ્યોગ પણ એટલો જ વિકસિત છે. આજે ગુજરાતનો મોરબી જિલ્લો ભારતનું સિરામિક હબ બન્યો છે. સિરામિક ટાઇલ્સ, સેનિટરી વેર, ઔદ્યોગિક અને તકનીકી સિરામિક્સના 1000થી વધુ ઉત્પાદન એકમો સાથે ગુજરાતનું મોરબી એકલું જ ભારતમાં સિરામિક ઉત્પાદનોના બજાર હિસ્સામાં લગભગ 90% હિસ્સો ધરાવે છે.
મોરબી જિલ્લાનું સિરામિક ક્લસ્ટર વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું સિરામિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતું ક્લસ્ટર છે. મોરબી જિલ્લામાં અંદાજિત 1000 સિરામિક એકમો આવેલા છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ₹60,000 કરોડનું છે. આ એકમો અંદાજિત 4 લાખ લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.
નાણાકીય વર્ષ 2022-23માં ગુજરાતમાંથી સિરામિક સેક્ટરમાં ₹20,000 કરોડથી વધુ રકમની નિકાસ થઈ છે, જે ભારતની કુલ સિરામિક નિકાસના 80% છે અને તેમાં મોરબી જિલ્લાના સિરામિક ક્લસ્ટરમાંથી ₹15,000 કરોડથી પણ વધુ રકમની નિકાસ કરવામાં આવી છે.
સિરામિક ક્ષેત્રની જેમ પોલીપેક ઉદ્યોગ ક્ષેત્રે પણ ગુજરાતનો મોરબી જિલ્લો નજીકના ભવિષ્યમાં અગ્રણી જિલ્લા તરીકે સ્થાન મેળવી શકે છે. હાલ મોરબી જિલ્લામાં પી પી વુવન પ્રૉડક્ટના કુલ 150 એકમો કાર્યરત છે.
મોરબીનો પોલીપેક ઉદ્યોગ હાલમાં આશરે વાર્ષિક 5 લાખ મેટ્રિક ટન (MT) પી પી વુવન ફેબ્રીકનું ઉત્પાદન કરે છે, જેનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ₹5500 કરોડનું છે. પોલીપેક ઉદ્યોગ હાલ મોરબીના અંદાજિત 15,000 થી 20,000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગારી પૂરી પાડે છે.
મોરબી જિલ્લાનો વોલ ક્લોક ઉદ્યોગ ભારતના વોલ ક્લોક ઉત્પાદનના 75% હિસ્સો ધરાવે છે.
સિરામીક તેમજ પોલીપેકની જેમ જ વોલ કલોક અને ગીફ્ટ આર્ટિકલ ઉદ્યોગ પણ મોરબીમાં ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. મોરબી જિલ્લાનો વોલ કલોક તેમજ ગિફ્ટ આર્ટિકલ ઉદ્યોગ ભારતના વોલ ક્લોક ઉત્પાદનનો 75% હિસ્સો ધરાવે છે. મોરબી જિલ્લામાં વોલ કલોકના આશરે 80 થી 90 એકમો આવેલા છે. આ ઉદ્યોગ અંદાજિત 18,000 લોકોને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ રોજગાર પૂરો પાડે છે, જે પૈકી 16,000 મહિલાઓ છે.
મોરબીનો વોલ ક્લોક ઉદ્યોગ અત્યારે પ્રતિ દિન આશરે 1.5 લાખ વોલ કલોક પીસ / ગીફ્ટ આર્ટીકલ્સનું ઉત્પાદન કરે છે, અને આ ઉદ્યોગનું કુલ વાર્ષિક ટર્ન ઓવર અંદાજીત ₹600-700 કરોડનું છે. આ પૈકી ₹50-60 કરોડના વોલ કલોક / ગીફટ આર્ટીકલ્સની નિકાસ કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં પેપર મીલ ઉદ્યોગના 60થી વધારે એકમો કાર્યરત છે, જેમાં અંદાજે ₹3000 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે. તેના દ્વારા આશરે 10,000 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત, મોરબીમાં 30 થી વધુ એકમોમાં કામ કરતા અગરિયાઓ મીઠાના ઉત્પાદનમાં મહત્વનો ભાગ ભજવે છે. મોરબી જિલ્લો માટીકામના કારીગરો માટે પણ પ્રખ્યાત છે.