મોરબીને નવું વર્ષ ફળ્યું: સિરામિક ઉદ્યોગમાં તેજીનો સંચાર, આ ટાઈલ્સની ડીમાંડ વધી

મોરબી: વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબી (Morbi ceramic industry)માં જન્માષ્ટમી સમયથી મંદીનો માહોલ છે, 200 જેટલા સીરામીક એકમોએ સ્વૈચ્છીક શટડાઉન લીધું હતું. હવે દિવાળી બાદ શરુ થયેલું વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે સારા શુકન લાવ્યું હોય તેમ લાગે છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાં ડિમાન્ડ વધી રહી છે, જેને કારણે તમામ યુનિટ્સ ધમધમતા થયા છે.
સીરામીક ક્ષેત્રે સંકળાયેલ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મતે હાલમાં પોર્સલીન ટાઇલ્સ (Porcelain tiles)ને કારણે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં તેજી જોવા મળી રહી છે અને જીવીટી (Glazed Vitrified Tiles) ટાઇલ્સની ડિમાંડ ધીમે ધીમે વધી રહી છે, જેને કારણે ઉદ્યોગને હાલમાં રાહત મળી છે.
દેશના સ્થાનિક માર્કેટમાં મંદીની સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનર ભાડામાં વધારાને કારણે મોરબી જિલ્લામાં આવેલા 800 જેટલા સીરામીક એકમો ઉપર મંદીના વાદળો છવાયા હતાં, માલનો ભરાવો રોકવા માટે જન્માષ્ટમી સમયે જ સીરામીક ઉદ્યોગપતિઓએ સ્વૈચ્છિક રીતે શટડાઉન લીધું હતું. 200 જેટલા કારખાનાઓમાં ઉત્પાદન કાર્ય ઠપ્પ કરવામાં આવ્યું હતું. જો કે, દિવાળી બાદ મોરબીના સીરામીક ઉદ્યોગમાં ફરી અગાઉ જેવી તેજીનો સંચાર થતા હાલમાં તમામ એકમો ફરી ધમધમતા થયા હોવાનું મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.
Also Read – Gujarat માં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, નક્કી કર્યા આ ભાવ
ઉલ્લેખનીય છે કે, ઉત્પાદનકાર્ય ઠપ્પ થઇ જતા મોરબીમાં ગુજરાત ગેસના પાઈપલાઈન ગેસની ખપત ખુબ ઓછી થઇ ગઈ હતી, એ જ રીતે LPG અને Propane ગેસની ડિમાન્ડ પણ તળિયે બેસી ગઈ હતી. એક તબક્કે દૈનિક 70 લાખ ક્યુબિક મીટર સુધીની માંગ કારખાના બંધ થતા 40થી 45 લાખ ક્યુબિક મીટર પ્રતિ દિવસ થઇ ગઈ હતી. હાલ ગેસનો વપરાશ દૈનિક 62 લાખ ક્યુબિક મીટરે પહોંચ્યો.
સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસનો દૈનિક 31 લાખ ક્યુબિક મીટર અને એલપીજી – પ્રોપેન ગેસનો પણ 31 લાખ જેટલો દૈનિક વપરાશ થઇ રહ્યો છે.
GVP અને Porcelain tilesમાં તેજી:
મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળીએ બેસી જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કન્ટેનર ભાડામાં વધારાને કારણે બે ત્રણ મહિના સુધી મંદીનો માહોલ રહ્યા બાદ હાલમાં મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં જીવીટી અને પોર્શિલન ટાઈલ્સની સારી એવી ડિમાન્ડ નીકળતા સીરામીક ઉદ્યોગમાં હાલમાં તેજીનો સંચાર થયો હોય તેમ ઉદ્યોગકારોને રાહત મળી છે.