Top Newsઆપણું ગુજરાત

મોરબીનો દબદબો! કચ્છ-સૌરાષ્ટ્રની વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં ચમકશે સિરામિક ક્ષેત્ર, ભારત-યુકે નિકાસમાં 65% ફાળો…

ગાંધીનગર: ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રનું મોરબી આજે સિરામિક ઉદ્યોગના વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ઉત્પાદન હબ છે, જ્યાં 800થી વધુ સિરામિક યુનિટ વૈશ્વિક બજારોમાં નિકાસ કરે છે. ક્ષેત્રના વિકાસમાં મોરબીના સિરામિક ઉદ્યોગનો ફાળો નોંધનીય છે અને આ રીતે તે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત @2047ના વિઝનમાં પણ યોગદાન આપી રહ્યું છે તેમજ વધતી વૈશ્વિક માંગને પણ પૂર્ણ કરી રહ્યું છે.

ભારત-યુકે મુક્ત વ્યાપાર કરાર અને નિકાસ

ભારત સિરામિક ઉત્પાદનોનો છઠ્ઠો સૌથી મોટો નિકાસકાર દેશ છે, જેમાં મોરબીનો ફાળો મુખ્ય છે. 24 જુલાઈ 2025ના રોજ ભારત-યુકે વ્યાપક આર્થિક અને વ્યાપાર કરાર (CETA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે ગુજરાતના ઉદ્યોગો, ખાસ કરીને મોરબી સિરામિક ક્લસ્ટર માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. આ કરાર મુખ્ય ભારતીય નિકાસ માટે શૂન્ય-ડ્યુટી અને ટેરિફ-મુક્ત ઍક્સેસ સુનિશ્ચિત કરે છે.

છેલ્લા 3-4 વર્ષમાં ભારતમાંથી યુકેમાં સિરામિક નિકાસ ત્રણ ગણી વધીને નાણાકીય વર્ષ 2024-25માં 110 મિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે, જેમાં મોરબીનો 65 ટકા ફાળો (71.6 મિલિયન ડોલર) છે. ઉલ્લેખનીય છે કે, યુકેમાં પોર્સેલિન સ્લેબ, ટાઇલ્સ અને ક્વાર્ટઝ ઉત્પાદનો જેવી પ્રીમિયમ બાંધકામ સામગ્રીની માંગ વધી રહી છે, જેને ભારત પૂરી કરી રહ્યું છે.

વધી રહેલાં શહેરીકરણ, સરકારની હાઉસિંગ યોજનાઓ અને સ્વચ્છ ભારત મિશન જેવા પરિબળોના કારણે સિરામિક ક્ષેત્રમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. મોરબીમાં વૉલ-ટાઇલ્સ, ફ્લોર-ટાઇલ્સ અને બાથરૂમ એક્સેસરીઝ સહિત સિરામિક અને સૅનિટરીવેરનું ઉત્પાદન થાય છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે મોરબીને સિરામિક ટાઇલ્સ અને સૅનિટરીવેર માટે “ટાઉન ઑફ એક્સપોર્ટ એક્સેલન્સ (TEE)”નો દરજ્જો આપ્યો છે.

મોરબી સિરામિક ક્લસ્ટર મૅન્યુફેક્ચરિંગ યુનિટ (ઉત્પાદન એકમો)માં આશરે 3.5 લાખ વ્યક્તિઓને સીધી રોજગારી આપે છે અને લગભગ 10 લાખ લોકોને પરોક્ષ રોજગાર પૂરો પાડે છે. આ ઉદ્યોગે લોજિસ્ટિક્સ, પેકેજિંગ, કાચા માલનો પુરવઠો વગેરે જેવા સહાયક ઉદ્યોગોમાં પરોક્ષ અને પ્રત્યક્ષ રોજગારની તકો ઊભી કરી છે. તેનાથી સ્થાનિક લોકો અને અન્ય રાજ્યોના કામદારો માટે પણ રોજગારીનું સર્જન થયું છે.

VGRCથી મોરબીમાં રોકાણ અને નિકાસની સંભાવનાઓ વધશે

મોરબી સિરામિક ક્લસ્ટર એક પ્રાદેશિક ઉદ્યોગમાંથી મુખ્ય વૈશ્વિક નિકાસકાર બન્યું છે. આ પ્રગતિ થવાના કારણે ગુજરાત આજે એક પસંદગીનું રોકાણ સ્થળ બની ગયું છે અને “મેડ ઇન મોરબી” વૈશ્વિક બ્રાન્ડ બની ગઈ છે. 2003માં ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સૌપ્રથમ વખત યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટથી આ ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે.

હવે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના વિઝનને આગળ વધારતાં ગુજરાત સરકાર 8-9 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર પ્રદેશની રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વધુમાં વધુ રોકાણ આકર્ષવાનો અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોની ક્ષમતા અને પ્રતિભાને ઉજાગર કરવાનો છે. આ કોન્ફરન્સના માધ્યમથી મોરબી વિશ્વ મંચ પર ઉજાગર થશે અને સિરામિક ક્લસ્ટર વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો…વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ, રોકાણ ખેંચવા તૈયારી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button