મોરબી પુલ દુર્ઘટના: ઓરેવા કંપનીના મેનેજરને મળ્યા શરતી જામીન

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના વધુ એક આરોપીને ગુજરાત હાઇકોર્ટે શરતી જામીન આપ્યા છે. ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને રાજકોટ અને મોરબીમાં ન પ્રવેશવાની શરતે ગુજરાત હાઇકોર્ટે જામીન આપ્યા હતા.
તાજેતરમાં જ જેની વરસી ગઇ તે મોરબી ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 50 બાળકો સહિત 135 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા તેમજ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટના પાછળ કોર્ટમાં સરકારે સબમિટ કરાવેલા SIT તપાસના રિપોર્ટમાં પુલના રિનોવેશનનું કામ સંભાળી રહેલી ઓરેવા કંપનીને જવાબદાર ઠેરવી છે. ત્યારે આ કેસમાં હવે મોટા સમાચાર મળી રહ્યા છે કે કેસના આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને શરતી જામીન પર છોડવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો છે. આ અગાઉ આ કેસમાં હાઇકોર્ટ ઓરેવા કંપનીના ક્લાર્ક, 3 સુરક્ષાકર્મી અને 1 મેનેજરને જામીન આપી ચુકી છે.
ગોંડલમાં રાજાશાહી સમયના જર્જરિત બ્રિજના સમારકામમાં અધિકારીઓની બેદરકારી અંગે હાઇકોર્ટે સરકારનો ઉધડો લેતા જણાવ્યું હતું કે અધિકારીઓની ગંભીર બેદરકારીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. લોકોને નુકસાન થાય તે પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં.