આપણું ગુજરાત

30મી ઑક્ટોબરની એ સામાન્ય સવાર અને ગોઝારી સાંજઃ મોરબી કરૂણાંતિકાને એક વર્ષ પૂરું

દિવાળીનો તહેવાર તો પૂરો થઈ ગયો હતો, પરંતુ રજાઓ ચાલી રહી હતી અને રવિવાર હતો. મોરબીમાં રહેતા કે મોરબી રજાઓ માણવા આવેલા કેટલાયે પરિવારોએ સવારે સાથે મળી નવો ખુલ્લો મૂકાયેલો ઝૂલતો બ્રિજ જોવા જવાના પ્લાન બનાવ્યા. આ પ્લાન સાથે ખબર નહીં કટલું ય વિચાર્યું હશે. સાથે ફરશું, સેલ્ફી લેશું ને પછી હોટેલમા કે લારીઓ પર ખાવાપીવાની મજા માણશું, પણ…સાંજના લગભગ છએક વાગ્યાનો સમય થયો ને મુલાકાતીઓથી ખચોખચ ભરેલો બ્રિજ અચાનક તૂટી પડ્યો. રાજાશાહી વખતથી બનેલો આ ઝૂલતો પુલ રિનોવેશન બાદ તૂટ્યોને મચ્છુ નદીમાં 135 જીવોએ જાણે જળસમાધી લઈ લીધી.
કોઈના સંતાનો, કોઈના માતા-પિતા તો કોઈક તો આખો પરિવાર. સ્થાનિકોએ ભારે જહેમતથી ઘણી જિંદગીઓ બચાવી. ઝૂલતો પુલ રિનોવેટ કરવાની અને તેની જાળવણી અને સંચાલન કરવાની જવાબદારી જેમના પર હતી તે ઓરેવા ગ્રુપ અને મોરબી મહાનગરપાલિકાની બેજવાબદારી અને નિયમોને નેવે મૂકી ઉતાવળે કરવામા આવેલા ઉદ્ઘાટન, પુલ પરની અવ્યવસ્થાની તસવીરો, અહેવાલો, નિવેદનો, આક્ષેપો, ફરિયાદો અને ઘણું બધું એક પછી અખબારોમા ખુલવા લાગ્યું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને મહિનો આડે હતો અને આ ઘટના બની હતી. આથી રાજકીય માહોલ ગરમાયો. આ બનાવ સંદર્ભે હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તાજેતરમાં જ ઘટના માટે રચાયેલી સીટે જે રિપોર્ટ આપ્યો છે તેમાં આ દુર્ઘટના માટે ઓરેવા કંપની, તેના ડિરેક્ટરો અને કર્મચારીઓને સંપૂર્ણપણે જવાબદાર દર્શાવવામાં આવ્યા છે તો બીજી બાજુ તેમને બચાવવા પણ એક વર્ગ મથી રહ્યો છે.

જેમણે વ્હાલસોયા ગુમાવ્યા છે તેમની ફરિયાદ છે કે એક વર્ષ વીતી ગયું છતાં અમને ન્યાય મળ્યો નથી. અમુક પરિવારજનો આજે અમદાવાદ ખાતે ગાંધીઆશ્રમ આવ્યા હતા અને તેમણે ધરણા ધર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button