દિલ્હીમાં ભારે વરસાદઃ મહારાષ્ટ્ર-ગુજરાતમાં ફરી વરસાદનો વરતારો
અમદાવાદઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી જનજીવનને અસર પડી છે. ગઈકાલે રાતથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે 11 વાગ્યા બાદ એક જ કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી જતા ઠેરઠેર પાણી ભરાયા છે. આજે પણ વરસાદી માહોલ હોવાથી ટ્રાફિક જામની સ્થિતિ છે. કેરળ અને ઉત્તરાખંડ સહિતના રાજ્યોમાં વરસાદી આફતો આવી છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે.
ગુજરાતની વાત કરીએ તો અહીં વરસાદની વધુ એક સિસ્ટમ બની રહી છે. જેના પગલે હવામાન વિભાગ દ્વારા 4થી ઓગસ્ટ સુધી વરસાદની શક્યાતા દર્શાવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ માટે ગાજવીજની વોર્નિંગ આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.હવામાન વિભાગ દ્વારા 3મી ઓગસ્ટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની યલો એલર્ટ જારી કરી છે. આગામી પાંચ દિવસ માટે માછીમારો માટેની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
આગામી 24 કલાક દરમિયાન હવામાન વિભાગે ગુજરાત પ્રદેશના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચને ચેતવણી આપી છે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાશે. સૌરાષ્ટ્ર કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.