આજે વરસાદનું જોર ઘટ્યું, સિઝનનો 25% વરસાદ વરસ્યો
અમદાવાદઃ ગુજરાતમાં 14મી જુલાઈ સુધી વરસાદ વરસવાની આગાહી વચ્ચે આજે બુધવારે વરસાદનું જોર ઘટ્યું હતું. સવારે છથી બપોરે 11 વાગ્યા સુધીમાં છ તાલુકામાં સરેરાશ એકાદ ઈંચ વરસાદ પડ્યાનું રાજ્ય સરકારે જણાવ્યું હતું. આખા રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજાએ સારી મહેર કરતા સિઝનનો 34 ટકા વરસાદ નોંધાયો છે જ્યારે સમગ્ર ગુજરાતમાં 25 ટકા વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં સૌથી વધુ પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં, જુનાગઢના વંથલી, માણાવદર અને માળિયા હાટીના તાલુકામાં તેમજ બનાસકાંઠાના ભાભર તાલુકાને મળી કુલ ૬ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના અહેવાલ છે. ગઈકાલે સાંજે અને રાત્રે રાજકોટ જિલ્લામાં સારો વરસાદ હતો અને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી.
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૧૦ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનમાં મોસમનો સૌથી વધુ ૩૪.૯૪ ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છ ઝોનમાં મોસમનો કુલ ૩૪.૮૫ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૨૭.૨૧ ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૭.૭૫ ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો ૧૬.૩૨ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત મહેમદાબાદ, રાણાવાવ, ભાણવડ, ધોરાજી, લાઠી, મેંદરડા, કેશોદ અને તલાલા તાલુકામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે બગસરા, નખત્રાણા, અંજાર, પોરબંદર, માતર, જામકંડોરણા, ગાંધીધામ, ખેડા, કુતિયાણા, વિસાવદર અને જૂનાગઢના માંગરોળ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના આશરે ૩૨ જેટલા તાલુકામાં એક ઈંચથી વધુ અને ૧૦૪ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.