ગુજરાતમાં ફરી ચોમાસું જામ્યુંઃ વિજાપુરમાં સાચ ઈંચ, ઉકાઈમાંથી પાણી છોડાયું
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં 23મીથી 27મી ઓગસ્ટ સુધી કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ગાજવીજ સાથે મહેસાણા જિલ્લાના મોટાભાગના તાલુકામાં ક્યાંક ભારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે જિલ્લાના વિજાપુર તાલુકામાં વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં સૌથી વધુ સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
આજે વહેલી સવારથી પડી રહેલા વરસાદમાં વિજાપુર 67 મીમી, મહેસાણા 26 મીમી, વિસનગર 21 મીમી, વડનગર 15 મીમી, ખેરાલુ 10 મીમી, કડી આઠ મીમી, ઊંઝા સાત મીમી, જોટાણા પાંચ મીમી વરસાદ નોંધાયો છે.
મહેસાણાના વિસનગર શહેરમાં પણ 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. જેને લીધે શહેરના અનેક માર્ગો પાણીમાં ડૂબ્યા હતા.
દરમિયાન સુરતમાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા માંડવીનો કાકરાપાર ડેમ ઓવરફલો થયો છે ડેમ ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સાથે સાથે ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવતા કાકરાપાર ડેમની જળ સપાટી 160 ફૂટ છે. હાલ ડેમ પાંચ ફૂટ ઉપરથી ઓવરફ્લો થયો છે. સતત બીજા દિવસે હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન કાકરાપાર ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આદિવાસી વિસ્તાર હોવાથી સ્થાનિકોને આ વર્ષે પાણીની તકલીફ નહી પડે સાથે સાથે ખેડૂતોને ખેતીમાટે પણ પાણી મળી રહેશે. કાકરાપાર ડેમ ઓવરફલો થતા તંત્ર દ્રારા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, અગામી સમયમાં લોકોનું સ્થળાંતર પણ કરાશે.