અંતે ઘી ઢોળાયું ખિચડીમાં! નાફેડની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ; અન્ય ઉમેદવારો ફોર્મ પરત ખેંચશે

ગાંધીનગર : NAFED elections: દેશની વધુ એક મોટી સહકારી સંસ્થા નાફેડની (National Agricultural Cooperative Marketing Federation of India) ડિરેક્ટર પદની ચુંટણીમને લઈને ગુજરાતનું રાજકારણમાં પણ ચર્ચાનો પારો ઊંચકાયો હતો. કારણ કે નાફેડની ડિરેકટર પદની એક જ જગ્યા માટે ભાજપના જ સાત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં પણ ઇફકોવાળી થાય અને ફરીથી ભાજપની શિસ્તના લીરેલીરા ઊડે તે પહેલા જ બેઠકો કરીને મોહનભાઇ કુંડારિયાના નામ પર સર્વસંમતિ સાધીને પસંદગીનો કળશ ઢોળી દેવામાં આવ્યો છે. આથી અન્ય ઉમેદવારો આજે દાવેદારી પરત ખેંચી લેશે કે જેથી મોહન કુંડારિયા (Mohan Kundariya)બિનહરીફ થઈ જશે.
ભાજપને મેન્ડેટ જાહેર કરવાનો મોકો ન મળ્યો :
એક જ પોસ્ટ માટે સાત ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવીને ઇફકોની ચૂંટણીનું પુનરાવર્તન થવાના એંધાણ હતા. પરંતુ આ વખતે ભાજપે પક્ષની વાત અંદર જ રહે અને બંધ મુઠ્ઠી ખૂલે તે પહેલા જ સમાધાનના માર્ગે આ મામલાને સંકેલી લીધો હતો. દિલીપ સંઘાણી, અજય પટેલ અને જયેશ રાદડિયાની મળેલી બેઠકમાં કુંડારીયાના નામ પર સર્વસંમતિ સાધવામાં આવી હતી. આમ ઘી ખિચડીમાં જ ઢોળાતા વાત વધુ આગળ વધે તે પહેલા જ અટકી ગઈ હતી. આ આખા ઘટનાક્રમ વચ્ચે ભાજપને મેન્ડેટ જાહેર કરવાનો મોકો જ મળ્યો નહોતો.
ALSO READ: ઈફ્કોની ચૂંટણી બાદ ભાજપમાં ઘમાસાણ, દિલીપ સંઘાણીએ પાટીલને સહકાર ક્ષેત્રે દખલ ન કરવાની કરી ટકોર
વર્ષ 1958માં સ્થપાયેલી અને ખેતી અને વનપેદાશો માટે વેચાણ અને જરૂરી સાધનોના અમલીકરણનું કામ કરતી દેશની એક મોટી સહકારી સંસ્થા નાફેડની આગામી 21મીએ સામાન્ય સભા અને જરૂર પડ્યે મતદાન થવાનું હતું.