પ્રધાનમંડળ વિસ્તરણમાં અવરોધ કે સસ્પેન્સ યથાવત્: હવે નવું મુહૂર્ત ક્યારે?
પીએમ મોદીએ પાટીલ સાથે ચર્ચા કર્યાની અટકળો, આ મંત્રીઓના પત્તા કપાશે!

ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા હતા. બે દિવસ દરમિયાન તેમણે અનેક વિકાસલક્ષી કાર્યોની રાજ્યોને ભેટ આપી હતી તેમ જ પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદના નિકોલમાં જનસભા સંબોધી હતી.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે આશરે બે કલાક જેટલી ચર્ચા કરી હતી, જેમાં પ્રધાનમંડળ વિસ્તરણ અને નવા પ્રદેશ પ્રમુખના નામની ચર્ચા કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. પીએમ મોદી અને સી આર પાટીલ વચ્ચે પ્રધાનમંડળમાંથી કોને પડતાં મૂકવા, કોને સમાવવા જેવી ચર્ચા થઈ હોવાનું કહેવાય છે.
પરંતુ વર્ષથી ખોટકાતું જાય છે, જેનું સસ્પેન્સ ખૂદ પક્ષને ખબર પણ હવે નવી મુદત શ્રાદ્ધપક્ષ પછી કે નવરાત્રી પછીની અટકળો વહેતી થઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વિધાનસભા સત્ર હોવાથી 21 સપ્ટેમ્બર સુધી પ્રધાનમંડળનું વિસ્તરણ નહીં થાય. સત્ર માટે સાહિત્ય છપાયું હોવાથી વિસ્તરણ નહીં થાય તેમ જણાવ્યું હતું. સત્ર બાદ શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે. તેથી આ સમયગાળામાં પણ વિસ્તરણ નહીં થાય.
તમામ પ્રધાનો હાલ વિધાનસભાની કામગીરીમાં વ્યસ્ત છે, જેથી નવરાત્રી અથવા નવરાત્રી બાદ વિસ્તરણ થઈ શકે છે. એક મહિનાની અંદર પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ શકે છે. ગુજરાતમાં નવી કેબિનેટમાં છથી સાત ધારાસભ્યોને પ્રધાન પદ મળી શકે છે.

મોઢવાડિયા સહિતના ધારાસભ્યોને મળી શકે છે તક
સૂત્રો મુજબ કેબિનેટમાં છથી સાત નવા ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. સૂત્રો અનુસાર અર્જૂન મોઢવાડિયા, સી.જે.ચાવડા, હાર્દિક પટેલ પ્રધાન બની શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાંથી કોઇ નવા ચહેરાને તક મળી શકે છે.
નક્કી આટલા નેતાઓના પત્તા કપાશે
બચુ ખાબડ, ભીખુસિંહ પરમાર અને મુકેશ પટેલ ગુજરાત સરકારના પ્રધાનો છે, પરંતુ તેમના પર લાગેલા વિવિધ આરોપો અને કૌભાંડોના કારણે તેમનું મંત્રીમંડળમાંથી હકાલપટ્ટી થવાની શક્યતા છે, એમ રાજકીય વર્તુળોએ દાવો કર્યો હતો.

મુકેશ પટેલના પુત્રનું લાઇસન્સ કૌભાંડમાં નામ
મુકેશ પટેલ ગુજરાત સરકારમાં વન અને પર્યાવરણ રાજ્યપ્રધાન છે. મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલે બોગસ દસ્તાવેજોના આધારે રિવોલ્વર માટે નકલી ગન લાઇસન્સ મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં 140 લોકોના નામ સામે આવ્યા છે.
જેમણે મણિપુર અને નાગાલેન્ડથી હથિયારો ખરીદ્યા હતા.આ કૌભાંડને કારણે ભાજપ અને સરકારની પ્રતિષ્ઠા પર આંચ આવી છે જેના કારણે હાઈકમાન્ડ મુકેશ પટેલની હકાલપટ્ટીનું મન બનાવી રહ્યું છે.

ભીખુસિંહના પુત્રનું કૌભાંડી સાથે કનેક્શન
ભીખુસિંહ પરમાર ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન છે અને તેમની રાજકીય પ્રવૃતિ મુખ્યત્વે સાબરકાંઠા-અરવલ્લી વિસ્તારમાં છે. ભીખુસિંહ પરમારના પુત્ર કરણસિંહ પરમારનું નામ બીઝેડ કૌભાંડમાં સામે આવ્યું હતું.
આ પણ વાંચો…મોડાસામાં ભાજપના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રની દાદાગીરીનો વીડિયો થયો વાઇરલ…
આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા સાથે કરણ સિંહ નજીકના સંબંધો હોવાનું ચર્ચાય છે.કરણસિંહ પર જાહેરમાં એક વ્યક્તિને ઢોર મારમારવાનો આરોપ લાગ્યો હતો જેને કારણે પ્રધાનની પ્રતિષ્ઠા ખરડાઇ હતી.

બચુ ખાબડની મનરેગા કૌભાંડમાં સંડોવણી
બચુ ખાબડ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા વિધાનસભાના ધારાસભ્ય છે અને ગુજરાત સરકારમાં કૃષિ રાજ્યપ્રધાન છે. દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં 71 કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ લાગેલો છે. બચુ ખાબડના બન્ને પુત્રો બળવંત ખાબડ અને કિરણ ખાબડની આ મનરેગા કૌભાંડમાં સંડોવણી બહાર આવી છે.
આ કૌભાંડ બાદ બચુ ખાબડે સચિવાલય અને કેબિનેટ બેઠકોમાં હાજરી આપવાનું બંધ કર્યું છે.આ સાથે જ સરકારી કાર્યક્રમોમાં પણ બચુ ખાબડ અંતર જાળવી રહ્યા છે.