મોદી અમદાવાદને આંગણેઃ બોડેલીમાં પણ તડામાર તૈયારી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે સાંજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. અહીં એરપોર્ટ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહિલાઓને લોકસભાની ચૂંટણીમાં અનામત આપતો ખરડો નારી શક્તિ વંદન પસાર થયા બાદ તેઓ અહીં મહિલાઓને સંબોધવાના છે અને આવતી કાલે બોડેલી ખાતે તેમની સભા છે.
આ માટે બોડેલી વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બીજી બાજુ પોલીસ વિભાગ દ્વારા વડા પ્રધાનની સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. આ સાથે ડોગ સ્કોર્ડ, બોમ સ્કોર્ડ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 27મી સપ્ટેબરના રોજ પ્રજાલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત સાથે જનસભાનું સંબોધન કરવાના હોય વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર એ તડામાર તૈયારીઓ કરી છે. આ સાથે 2500 જેટલા શિક્ષકોને પણ કામે લગાડ્યાં છે.
બાજી બાજુ પોલીસ વિભાગ દ્વારા વડાપ્રધાનની સુરક્ષા સલામતી અને વ્યવસ્થાને લઈને ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. તેમા એસ.પી 5, ડીવાયએસપી 14, પીઆઇ 124 અને પીએસઆઈ તેમજ 1700 પોલીસ કોન્સ્ટેબલને ગોઠવવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે.