આપણું ગુજરાત

ગુજરાત ક્રૂઝ ટુરિઝમમાં બનશે નંબર વન: દરિયાકિનારાનો લાભ લઈને ક્રૂઝ પ્રવાસનને મળશે પ્રોત્સાહન…

ગુજરાત ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રે અગ્રેસર બનશે

ગાંધીનગર: દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ સાથે ભારતમાં વિશ્વ કક્ષાનો ક્રૂઝ પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મહત્ત્વનું સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યએ 2,340 કિમીના દરિયાકિનારા અને સાબરમતી, નર્મદા જેવી નદીઓના વ્યૂહાત્મક મહત્વને ઓળખીને રાષ્ટ્રીય ક્રૂઝ એજન્ડાને આકાર આપવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે 6 મેએ એક-દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ હિતધારકોએ હાજરી આપી હતી.

ક્રૂઝ ક્ષેત્રના વિકાસનો પાયો નાખવાની નીતિ પર ચર્ચા
વર્કશોપના પ્રથમ સત્રમાં મેરીટાઇમ અને ટુરિઝમ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં નીતિ અને માળખાગત સુવિધા- ભારતમાં ક્રૂઝ ક્ષેત્રના વિકાસ માટે પાયો નાખવો એ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ઇન્ડિયન પોર્ટ્સ એસોસિએશનના સલાહકાર શ્રી રાજીવ જલોટાએ ક્રૂઝ ભારત મિશન હેઠળ વ્યૂહાત્મક લક્ષ્યોની રૂપરેખા આપી હતી. મુંબઈ પોર્ટ ઑથોરિટીના અધ્યક્ષ સુશીલ કુમાર સિંહે બંદરોની તૈયારી અને સ્પષ્ટ બર્થિંગ પોલિસીની જરૂરિયાત પર ચર્ચા કરી હતી. એફઆરઆરઓ કોચીનના કૃષ્ણરાજ આર. એ ઇમિગ્રેશન અને દરિયા કિનારાની પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, જ્યારે ગોવા ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલના સીઈઓ ગૌતમ ડેએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ્સ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂક્યો હતો.

કાર્યક્ષમ ઇમિગ્રેશન પ્રક્રિયાઓની જરૂરિયાત
ગુજરાતનો રોડમૅપ રજૂ કરતાં રાજકુમાર બેનીવાલે રોકાણને અનુરૂપ પોલિસીઓ બનાવીને વિશ્વ કક્ષાના ક્રૂઝ ટર્મિનલ માટે રાજ્યની યોજના વિશે માહિતી આપી હતી. ગુજરાત ટુરિઝમના મૅનેજિંગ ડિરેક્ટર સાઇદિંગપુઈ છાકછુઆકએ મુસાફરો માટે ક્રૂઝ-રેડી સ્થળો અને ઓનશોર પ્રવાસન વિકસાવવા માટેની વ્યૂહરચના રજૂ કરી હતી. કૃષ્ણરાજ આર.એ કાર્યક્ષમ ઇમિગ્રેશન પ્રક્રિયાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને પ્રવાસીઓના સંચાલનને સુવ્યવસ્થિત કરવા માટે ડિજિટલ ટેક્નોલૉજીના ઉપયોગની ભલામણ કરી હતી.

ગુજરાત સરકારની પ્રતિબદ્ધતા અને વિઝન
બંદરો અને પરિવહન વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે ગુજરાતને એક અગ્રણી ક્રૂઝ હબ તરીકે સ્થાપિત કરવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યનો વ્યાપક અભિગમ, તેની માળખાગત સુવિધાઓ, નીતિ અને પ્રવાસન વિકાસ અન્ય રાજ્યો માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. વર્કશોપના પ્રશ્નોત્તરી સત્ર દરમ્યાન સહભાગીઓએ રાજ્ય માટે એક મજબૂત ક્રૂઝ નીતિ બનાવવા સંદર્ભે તેમના મંતવ્યો રજૂ કર્યા હતા.

કોસ્ટલ ટુરિઝમને વેગ આપવા માટે પ્રસ્તાવિત ક્રૂઝ સર્કિટ
ક્રૂઝ ભારત મિશનના ભાગ રૂપે, ગુજરાતે તેના પશ્ચિમ કિનારા પર વિવિધ સંભવિત ક્રૂઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવા મુખ્ય સ્થળો તેમજ કાર્યરત ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવાનો પણ સમાવેશ થાય છે. દરેક ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો, એ ક્લસ્ટરના 100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેથી ક્રૂઝ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે.

ગુજરાતનું ક્રૂઝ ટર્મિનલ રાષ્ટ્રીય મિશનમાં આપશે યોગદાન
30 સપ્ટેમ્બર, 2024ના રોજ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ પ્રધાન સર્બાનંદ સોનોવાલ દ્વારા ક્રૂઝ ભારત મિશનની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશનનો ઉદ્દેશ આગામી દાયકામાં ભારતને વિશ્વ સ્તરનું ક્રૂઝ પર્યટન કેન્દ્ર બનાવવાનો છે અને 2029 સુધીમાં દરિયાઈ ક્રૂઝ પ્રવાસનને દસ ગણું વધારવાનો છે. દેશમાં મુંબઈ, કોચીન, ચેન્નઈ, અને મોર્મુગાઓ જેવા મુખ્ય બંદરોએ ક્રૂઝ ટર્મિનલ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે ત્યારે ગુજરાત પણ ભવિષ્યમાં એક સમર્પિત ક્રૂઝ ટર્મિનલ બનાવીને રાષ્ટ્રીય મિશનમાં નોંધપાત્ર ફાળો આપશે.

પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે:

  • પડાલા ટાપુ- કચ્છનું રણ
  • પોરબંદર-વેરાવળ-દીવ
  • દ્વારકા-ઓખા-જામનગર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button