આપણું ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદથી લઈને દેવભૂમિ દ્વારકા સુધી ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત યોજાઇ મોકડ્રીલ: ગુજરાતમાં સુરક્ષા તંત્ર સજ્જ!

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ મુજબ ગુજરાત રાજ્યભરમાં ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત મોટા પાયે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ સંભવિત આફતો, ખાસ કરીને હવાઈ હુમલા અથવા કટોકટીની સ્થિતિમાં જાહેર સુરક્ષા અને રાહત-બચાવ કામગીરીની તૈયારીઓને ચકાસવાનો હતો. રાજ્યનાં સરહદી તેમજ સંવેદનશીલ જિલ્લાઓમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદ-રાજકોટમાં યોજાઇ મોકડ્રીલ

મળતી વિગતો અનુસાર અમદાવાદના શાહીબાગમાં આવેલા સદર બજાર કેન્ટોનમેન્ટ વિસ્તારમાં સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ હતી. જ્યારે રાજકોટ ફાયર વિભાગ દ્વારા ફાયર ઓફિસર મોઇન શેફના માર્ગદર્શન હેઠળ આગ લાગે ત્યારે બચાવ સલામતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ગ્રામજનો, કેડેટ્સ અને વોલન્ટિયર્સને ફર્સ્ટએડ, ફાયર ફાઇટર ટ્રેનિંગ, આગના પ્રકારો, ફાયર એક્સ્ટિંગ્યુશરના પ્રકારો અને સર્ચ એન્ડ રેસ્ક્યુ ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ ઉપરાંત, SRPના ટ્રેનર જવાનો દ્વારા ડ્રોન અંગેની માહિતી, તેના પ્રકારો અને ખાસ કરીને યુદ્ધમાં વપરાતા ડ્રોનને કેવી રીતે ઓળખવા અને તેનાથી બચાવ કરવો તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જામનગર અને ભુજમાં હવાઈ હુમલાની મોકડ્રિલ

જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે જામનગર જિલ્લામાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ વાડીનારની રેસિડેન્શિયલ કોલોની ખાતે હવાઈ હુમલાની મોકડ્રિલ યોજાઈ હતી. હવાઈ હુમલાની જાણકારી મળતા જ વહીવટીતંત્રએ ત્વરિત ધોરણે રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી અને અસરગ્રસ્ત સ્થળેથી ઘાયલ નાગરિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો: રાજ્યમાં ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલ: રાત્રે બ્લેકઆઉટ અને SOUના કાર્યક્રમોના સમયમાં ફેરફાર…

કચ્છ-જામનગરમાં ફરજિયાત બ્લેકઆઉટ

આ ઉપરાંત, જિલ્લા વહીવટી તંત્ર તથા એરફોર્સ દ્વારા જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે અને ભુજના સ્મૃતિવન ખાતે સાંજે 5:00 કલાકે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત સિવિલ ડિફેન્સ મોકડ્રિલ યોજાઈ હતી. આ મોકડ્રિલના ભાગરૂપે રાત્રે 8:00 થી 8:30 કલાક દરમિયાન સમગ્ર જિલ્લામાં ફરજિયાત બ્લેકઆઉટ રાખવામાં આવ્યો હતો.

બનાસકાંઠામાં સરહદીય વિસ્તારમાં તાલીમ

તે ઉપરાંત સરહદી જિલ્લા બનાસકાંઠાના નડાબેટ ખાતે ભારત-પાકિસ્તાન સરહદ પર પણ “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં સ્થાનિક લોકો, અધિકારીઓ અને BSFના જવાનો પણ જોડાયા હતા, જે સરહદીય સુરક્ષાની તૈયારીઓ દર્શાવે છે. સમગ્ર રાજ્યમાં યોજાયેલી આ મોકડ્રિલ દર્શાવે છે કે કટોકટીના સમયે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સજ્જ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button