બગદાણા ગુરુ આશ્રમ પરિવારના મોભી પૂ. મનજીબાપાનું નિધન: લાખો ભાવિકોમાં શોક
ભાવનગર: બગદાણા ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના અનન્ય ભક્ત શ્રી મનજીદાદાનો દેહવિલય થતા ભક્તજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. બગદાણા ખાતે આવતીકાલે બપોર સુધી તેઓના પાર્થિવ દેહને દર્શનાર્થે રાખવામાં આવશે અને કાલે સાંજે તેઓની અંતિમયાત્રા નીકળશે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ બગદાણા આશ્રમના મોભી પૂજ્ય મનજીબાપાના અવસાન પ્રત્યે ટ્વીટ કરી શોકાંજલિ પાઠવી છે.
ભાવનગર જિલ્લાના બગદાણાના ગુરુ આશ્રમ મોભી પૂજ્ય શ્રી મનજીદાદા તા ૧૪/૦૨/૨૦૨૪ના રોજ પરમશકિત પરમાત્મામાં વિલીન થઈ ગુરુચરણ પામ્યા છે. પૂજ્ય મનજીદાદાના પાર્થિવ દેહના અંતિમ દર્શન બગદાણા મુકામે તા: ૧૪/૦૨/૨૦૨૪ના રોજ સાંજે ૪.૦૦ કલાક થી તા: ૧૫/૦૨/૨૦૨૪ના રોજ બપોરે ૩.૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. પૂજ્ય મનજીદાદાની અંતિમયાત્રા બગદાણામાં તારીખ ૧૫/૦૨/૨૪ ના રોજ બપોરે ૩.૦૦ કલાકે નીકળશે.
દરમિયાન વડા પ્રધાન મોદીએ ટ્વીટ કરી પૂજ્ય મનજીબાપાના નિધન પરત્વે પાઠવી શોકાંજલિ પાઠવતા લખ્યું છે કે, ગુરુ આશ્રમ, બગદાણાના પૂજ્ય મનજીદાદાના અવસાનના સમાચારથી દુ:ખી છું. સમાજસેવા ક્ષેત્રે એમનું યોગદાન હંમેશાં યાદ રહેશે. ઈશ્ર્વર સદ્ગત આત્માને શાંતિ પ્રદાન કરે એ જ પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના.